News of Tuesday, 3rd March 2026
જય ચામુંડાઃ ફાગણી પૂનમે ચોટીલા ડુંગર ભકિતના રંગે રંગાયો, બોટાદ-ગોહિલવાડના હજારો પદયાત્રીઓ ઉમટયા
‘‘શ્રદ્ધાના પગલે શક્તિનો સંગાથઃ કષ્ટ ભુલાવતી માં ચામુંડાની અસીમ કળપા'' ભોજન, ભજન અને સેવાના ત્રિવેણી સંગમ વચ્ચે માઈભક્તોએ મા ચામુંડાના ચરણોમાં

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૩: યાત્રાધામ ચોટીલા ખાતે ફાગણ સુદ પૂનમના પવિત્ર અવસરે લાખો ભાવિકોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. ખાસ કરીને બોટાદ અને ભાવનગર (ગોહિલવાડ) સહિતના રાજ્યનાં અનેક વિસ્તારોના હજારો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરતા મા ચામુંડાના દર્શનાર્થે પહોંચતા સમગ્ર માર્ગ ‘જય ચામુંડા'ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
ભક્તિનો અવિરત પ્રવાહ આમ તો દર પૂનમે ચોટીલામાં ભક્તોની ભીડ રહે છે, પરંતુ ફાગણી પૂનમનું વિશેષ મહાત્મ્ય હોવાથી હોળીના દિવસથી જ યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. મા ચામુંડા અનેક પરિવારોના કુળદેવી હોવાથી લોકો વર્ષોની પરંપરા મુજબ કષ્ટ વેઠીને પણ પગપાળા દર્શને આવે છે. પદયાત્રીઓના પ્રવાહને જોતા એવું લાગતું હતું કે જાણે રસ્તાઓ ભક્તિમય બની ગયા હોય.
ભક્તોએ આ સેવા કેમ્પોનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મોડી રાત સુધી કેમ્પોમાં અવિરત માનવ મહેરામણ જોવા મળ્યો હતો, જ્યાં સેવા કરનારા કાર્યકરોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સેવા કેમ્પોમાં માનવતા મહેકી
ચોટીલા તરફ આવતા તમામ માર્ગો પર સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ દ્વારા ભવ્ય સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા હતા. જેમાં:
*સુવિધાઓઃ ગરમાગરમ ભોજન, નાસ્તો, ફ્રૂટ, ઠંડા પીણાં અને ચા-પાણીની વ્યવસ્થા.
*આરામઃ પદયાત્રીઓ માટે સુવા-બેસવાની ઉત્તમ સગવડ.
*વિશેષ સેવાઃ થાકેલા યાત્રિકો માટે પગ કચરવા (ફૂટ મસાજ) અને પ્રાથમિક સારવારની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ હતી.( તસવીરઃ હેમલ શાહ -ચોટીલા)
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
