News of Tuesday, 3rd March 2026
જાફરાબાદ નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃ બે બાઈક સવારના મોતઃ અધૂરા કામને લઈ લોકોમાં રોષ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતોની વધતી જતી ઘટનાઓ વચ્ચે જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક વધુ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. ટ્રક અને બાઈક વચ્ચે થયેલા ટક્કરમાં બાઈક સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે.
જેમાં મળતકોની ઓળખ નાગેશ્રી ગામના મનુભાઈ અરજણભાઈ સાખત (ઉમર ૩૬) રમેશભાઈ જાદવભાઈ સાખત (ઉમર ૪૧) તરીકે થઈ છે.
આ દુર્ઘટના બાલાનીવાવ-કાગવદર પાસે નેશનલ હાઈવે પર બની હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાઈવે પર અધૂરા કામ અને ડ્રાયવર્જનને કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને બોક્સ કલ્વર્ટનું કામ છેલ્લા છ વર્ષથી અધૂરું હોવાથી બંને બાજુ માટીના પાળા બનાવવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકોને રોંગ સાઈડ પરથી પસાર થવું પડે છે. સામેથી આવતા વાહનો સાથે અથડામણની શકયતા વધી જતા નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર અત્યાર સુધી અંદાજે ૧૫ થી ૨૦ લોકો અકસ્માતમાં જીવ ગુમાવી ચૂકયા છે. છતાં પણ સંબંધિત નેશનલ ઓથોરિટી દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું નથી, જેના કારણે વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.
જાફરાબાદ તાલુકાના કાગવદર, ભટવદર, બાલાનીવાવ, મીઠાપુર અને નાગેશ્રી ગામના લોકોમાં આ ઘટના બાદ આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સરપંચો દ્વારા હાઈવે બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે અને તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ ઉઠી છે. હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
