News of Wednesday, 4th March 2026
મોરબીમાં ધમાલ અને મસ્તી સાથે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી: અબાલ વૃદ્ધ સહિત સૌ આત્મીયતાના રંગે રંગાયા.
બજારોમાં ખજૂર સહિતની ખાણીપીણીની વસ્તુઓ તેમજ રંગોત્સવ માટે સ્વદેશી વિવિધ જાતની પિચકારીઓ અને હર્બલ કલરની ભારે ખરીદી

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીમાં આસુરી શક્તિ પરના વિજય રૂપે સોમવારે ઠેરઠેર હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું અને લોકોએ હોલિકા માતાની પ્રદક્ષિણા કરીને દુર્ગુણોની આહુતિ આપી હતી. જ્યારે બુધવારે રંગોત્સવની નિર્દોષ મસ્તી અને ધમાલ સાથે રંગારંગ ઉજવણી કરવામાં આવી રહી હતી, જેમાં અબાલ વૃદ્ધ સહિત સૌ કોઈ આત્મીયતાના રંગે રંગાયા હતા.
મોરબીમાં સોમવારે હોળીની ભારે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દરેક વિસ્તારના મુખ્ય ચોકમાં શ્રધ્ધાભેર હોળી પ્રગટાવવામાં આવી હતી. લોકોએ ખજૂર, ધાણી, દાળિયા, ટોપરું અને નાળિયેર સહિતની વસ્તુઓનું હોલિકામાં દહન કરીને પોતાની ભીતરમાં રહેલી દુર્ગુણોરૂપી આસુરી શક્તિના દહનની અને પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી હતી. હોળીની છેલ્લી ઘડીએ બજારોમાં ખજૂર સહિતની ખાણીપીણીની વસ્તુઓ તેમજ રંગોત્સવ માટે સ્વદેશી વિવિધ જાતની પિચકારીઓ અને હર્બલ કલરની ભારે ખરીદી જોવા મળી હતી.
મંગળવારે ધોકો હતો અને બુધવારે રંગોત્સવ હતો . શેરીએ ગલીએ વિવિધ રંગોની છોળો ઉડી હતી. નાના ભૂલકાંઓથી માંડીને મોટેરાઓ પોતાના પરિવાર, સ્નેહીજનો, સગા અને મિત્રો સાથે મનભરીને રંગોત્સવ મનાવ્યો હતો.
બીજી તરફ, ધુળેટી પર્વને લઈને કલેકટર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ, જેમાં જાહેરમાં કલર ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. ખાસ કરીને ધુળેટીમાં રંગ ઉડાડવાના બહાને કેટલાક આવારા તત્વો છાકટા બનતા હોય છે અને જાહેર માર્ગો પર આવતા જતા લોકોને ધૂમ બાઈક ઉપર કલર ઉડાડીને પજવણી ક૨તા હોય છે. આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર જિલ્લા પોલીસ ખડે પગે રહી હતી
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
