News of Thursday, 5th March 2026
દ્વારકા દર્શને આવેલા તરસાઇના કાકા-ભત્રીજાને શેરડીનો રસ પીવડાવી બે યુવાનોએ મૂર્છિત કરી ૧ લાખની મત્તા લુંટી લીધી
કાકા-ભત્રીજા જયારે ભાનમાં આવ્યા ત્યારે પોતે હોસ્પિટલમાં હતા

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા, તા. પઃ જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે રહેતા રૂડાભાઈ હાજાભાઈ મુંધવા નામના ૬૦ વર્ષના ભરવાડ વળધ્ધ તેમના કુટુંબીજનો લાલાભાઈ, મયુરભાઈ, શાંતિબેન, રેખાબેન વિગેરે સાથે તા. ૨૬ ફેબ્રુઆરીના રોજ તરસાઈ ગામેથી પગપાળા ચાલીને દ્વારકા નીકળ્યા હતા. તેઓ તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે દ્વારકા પહોંચી ગયા હતા.
આ પછી તા. ૧ના રોજ સવારના રૂડાભાઈ મુંધવા તથા તેમના કુટુંબી કાકા રૂડાભાઈ દરિયાકાંઠે ચોપાટી ઉપર ગયા હતા. જ્યાં આશરે ૩૦ વર્ષ અને ૨૫ વર્ષના બે અજાણ્યા યુવાનો આવીને બેઠા હતા. આ અજાણ્યા યુવાનોએ તેમનું ઠામ-ઠેકાણું અને જ્ઞાતિ પૂછી હતી. ત્યાર બાદ તેઓએ પોતે પણ ભરવાડ જ્ઞાતિના હોવાનું અને રાજકોટ બાજુ રહેતા હોવાનું જણાવી વાતોમાં ભોળવી લીધા હતા.
આ પછી બંને શખ્સોએ તેમને આગળ રહેલી દીવાદાંડી બાજુ બનેલા નવા ગણપતિના મંદિરે દર્શન જવાનું કહેતા ફરિયાદી રૂડાભાઈ તથા તેમના કાકા રૂડાભાઈ બંને તેમની સાથે જવા માટે નીકળ્યા હતા. આ પછી અજાણ્યા શખ્સ પૈકીના આશરે ૨૫ વર્ષના આ યુવાને પોતાને શેરડીનો રસ પીવો હોવાનું કહી અને રસ લઈ આવ્યો હતો. દીવાદાંડી પાસે બેઠેલા કાકા-ભત્રીજાને રસના ગ્લાસ ભરાવી ભરીને પીવડાવી તેઓએ પણ રસ પીધો હતો.
આ પછી રૂડાભાઈ તથા તેમના કાકા બંને ત્યાં જ મૂર્છિત થઈ ગયા હતા. અને ફરિયાદી રૂડાભાઈ ભાનમાં આવ્યા ત્યારે તેઓ જામનગરની જી.જી. હોસ્પિટલમાં તેમજ તેમના કાકા રૂડાભાઈ ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા. આમ, આ કાકા-ભત્રીજાને કોઈ અજાણ્યા શખ્સોએ શેરડીના રસમાં નશાકારક જેવા પ્રવાહી પીવડાવીને મૂર્છિત કર્યા બાદ તેઓએ કાનમાં પહેરેલા રૂપિયા ૮૦ હજારની કિંમતના સોનાના ઠોરીયા તથા રૂપિયા ૩૫,૦૦૦ ની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે બે અજાણ્યા શખ્સો સાથે સામે ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. એ.એલ. બારસીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. (૭.૧પ)
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
