News of Thursday, 5th March 2026
પોરબંદરના શ્રી હરિમંદિરમાં પૂ.ભાઇશ્રીના સાનિધ્યમાં હોળી પર્વ ઉમંગભેર ઉજવાયું
વિધિવત પૂજન સાથે નૂતન ધ્વજારોહણઃ સાંજે આરતી બાદ ઠાકોરજીના સન્મુખ સાંદીપનીના ઋષિકુમારો દ્વારા હોળી રસિયાનું ગાયન યોજાયું: અબીલ ગુલાલથી ભાવિકો હોળી રમ્યાં

પોરબંદર તા.૫: સાંદીપનિ વિદ્યાનિકેતન, શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં હોળી ઉત્સવ અને ધૂળેટીએ ફૂલડોલ ઉત્સવ અનેક ભાવિકોની ઉપસ્થિતિમાં અને ઉમંગ સાથે ઉજવાયો હતો.
શ્રીહરિ મંદિરે હોળીના દિવસે તેમજ પૂનમ નિમિત્તે શ્રીહરિ મંદિરમાં સવારે સર્વે શિખરો પર વિધિવત પૂજન પૂર્વક નૂતનધ્વજારોહણ કરવામાં આવ્યું. સાંજે સાયં આરતી બાદ ઠાકુરજી સન્મુખ સાંદીપનિના ઋષિકુમારો દ્વારા હોળીના રસિયાનું ગાયન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ઉત્સવસ્વરૂપ સર્વે વિગ્રહોની સાથે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં અબીલ, ગુલાલથી હોળી રમ્યા હતા. ઠાકુરજી સાથે હોળી રમ્યા બાદ વિધિવત સંકલ્પપૂર્વક અને પૂજન સાથે હોલિકાદહન કરવામાં આવ્યું અને સાંદીપનિમાં આવેલ અતિથીઓ અને પોરબંદરથી આસપાસ આવેલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો પૂજ્ય ભાઈશ્રી દ્વારા સૌ દર્શનાર્થીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હોળી ધુળેટીના વચ્ચેના દિવસે તા.૦૩-૦૩-૨૬, મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી શ્રીહરિ મંદિરમાં સંપૂર્ણ દિવસ દર્શન બંધ રહ્યા હતા. ચંદ્રગ્રહણના દિવસે સવારે અને સાંજના સમયે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં ઋષિકુમારો દ્વારા શ્રીહરિની બગીચીમાં શ્રીહરિનામ સંકીર્તન કરવામાં આવ્યું હતું. શ્રીહરિ નામ સંકીર્તનમાં મોટી સંખ્યામાં ભાવિકો અને ઋષિકુમારો જોડાયા હતા.
ધૂળેટી પર્વના દિવસે સવારે શ્રીહરિ મંદિરના સર્વે શિખરો પર પૂજન પૂર્વક નૂતન ધ્વજારોહણ થયું. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા ગાવામાં આવેલા હોળીરસિયા ગાનની સાથે-સાથે પૂજ્ય ભાઈશ્રીએ શ્રીહરિમંદિરમાં બિરાજમાન શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિત સૌ સ્વરૂપો સાથે ફૂલોથી અને રંગોથી હોળી ઉત્સવ મનાવ્યો હતો. પૂજ્ય ભાઈશ્રીએ પહેલા ફૂલોથી અને પછી રંગોથી આવેલા સૌ અતિથિ અને ભાવિકો સાથે ધૂળેટી ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. આ અવસરે શ્રીહરિ મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને ધૂળેટી ઉત્સવનો આનંદ માણ્યો હતો. ધૂળેટી ઉત્સવ બાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા શ્રીહરિ ભગવાનની ફૂલડોલ ઉત્સવની આરતી કરવામાં આવી હતી.
પરેશ પારેખ
પોરબંદર
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
