<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

મહાયુદ્ધની અસર: મોરબીનો સિરામિક, પેપરમિલ, પેકેજીંગ ઉદ્યોગ ચલાવવા અશક્ય.

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વધુ ૧૦ દિવસ ખેંચાય તો ૯૦ ટકા મોરબી સિરામિક એકમો બંધ : પ્રમુખ: પ્રોપેન ગેસનો પુરવઠો ૧-૨ દિવસમાં પૂરો થઇ જશે નેચરલ ગેસમાં પણ ૫૦ ટકા કાપ મુકવામાં આવ્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુધ્ધે સમગ્ર મિડલ ઇસ્ટ વિસ્તારને બાનમાં લીધું છે યુધ્ધને પગલે સમગ્ર દુનિયાના અર્થતંત્રને અસર પહોંચી રહી છે ગેસ અને તેલના પુરવઠાનું પરિવહન નહિ થઇ સકતા દુનિયાભરમાં અસર જોવા મળી રહી છે તો મોરબી સિરામિક એકમો બંધ થવાનું શરુ થઇ ચુક્યું છે અને આગામી દિવસોમાં ૯૦ ટકા યુનિટો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

મોરબી સિરામિક એસો પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે યુધ્ધને પગલે ગલ્ફ દેશોમાંથી આવતો ગેસ સપ્લાય અટકી ગયો છે અને ગુજરાત ગેસ પણ થોડો પુરવઠો બચ્યો છે આજે ઉદ્યોગકારો સાથે મીટીંગમાં ૧૫ થી વધુ ફેકટરીઓએ શટડાઉન કર્યાની માહિતી મળી છે અને આગામી દિવસોમાં અન્ય એકમો પણ બંધ થશે પ્રોપેન ગેસ વપરાશ કરનાર ૬૦ ટકા સિરામિક એકમો પાસે ૧-૨ દિવસ ચાલે તેટલો પુરવઠો છે અને પ્રોપેન સપ્લાય સદંતર બંધ છે જેથી ૧-૨ દિવસમાં વધુ એકમો બંધ થશે.
તેમજ ગુજરાત ગેસ દ્વારા મળતી સપ્લાયમાં ૫૦ ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે અને અમારા અંદાજ મુજબ ૧૫ માર્ચ સુધી ગેસ સપ્લાય ચાલુ રહી સકે છે અને યુદ્ધ વધુ ૧૦ દિવસ ખેંચાય તો ૯૦ ટકા એકમો બંધ કરવા પડશે તેમ પ્રમુખે ઉમેર્યું હતું.
મોરબી સિરામિક એકમોમાં શટ ડાઉન શરૂ,અનેક સિરામિક ઉદ્યોગોએ પ્રોડક્શન કર્યું બંધ, આંક વધવાની સંભાવના.
પ્રોપેન ગેસની સપ્લાય ગઈકાલથી સદંતર બંધ થતાં ગેસનું સંકટ ઘેરૂ બન્યું : શટ ડાઉન થનારી ફેક્ટરીઓની સંખ્યા હવે ક્રમશઃ વધતી જશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અને ગંભીર અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે.
પ્રોપેન ગેસની સપ્લાય સંપૂર્ણપણે બંધ થવાને કારણે અને આવતીકાલથી ગુજરાત ગેસના સપ્લાયમાં 50 ટકાનો કાપ મુકાવાના કારણે મોરબીના અનેક સિરામિક એકમો શટ ડાઉન થઈ ગયા છે. હજુ પણ આ આંકડો ધીમે ધીમે વધતો જશે તેવું જાણવા મળી રહ્યું છે.
વિશ્વના બીજા સૌથી મોટા સિરામિક ક્લસ્ટર તરીકે ઓળખાતા મોરબીના સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સના ઉત્પાદન માટે ગેસ સૌથી અગત્યનું પરિબળ છે. પરંતુ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને પગલે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર નિયંત્રણ રાખીને વેસલને અટકાવી દીધા છે. પરિણામે ગેસની અછત સર્જાય છે.
મોરબીના સ્થાનિક ઉદ્યોગોને મળતો પ્રોપેન ગેસ ગઈકાલથી જ અટકી ગયો છે, જેના કારણે ફેક્ટરીઓના પૈડાં થંભી ગયા છે. આજે અંદાજે અનેક ફેકટરીઓએ શટ ડાઉન લાગુ કરી દીધું છે. આ શટ ડાઉનનો સિલસિલો આગામી દિવસોમાં વધુ વકરે તેવી શક્યતા છે. જો કે ગઈકાલથી જ મોટાભાગના સિરામિક એકમોએ નવા ઓર્ડરો લેવાના બંધ કરી દીધા હતા. તેવામાં ગેસ પૂર્ણ થતાં ઉદ્યોગો ક્રમશઃ પ્રોડક્શન બંધ કરી રહ્યા છે. જો ગેસની સપ્લાય શરૂ કરવામાં નહિ આવે તો એકાદ દિવસમાં જ આખો સિરામિક ઉદ્યોગ જ ઠપ્પ થઈ જશે.
ગુજરાત ગેસમાં આવતીકાલથી 50 ટકાનો કાપ.
મોરબીના 65થી 70 ટકા સિરામિક ઉદ્યોગો પ્રોપેન ગેસનો વપરાશ કરે છે. બાકીના ઓછા ઉદ્યોગો નેચરલ ગેસ (ગુજરાત ગેસ)નો વપરાશ કરે છે. ગુજરાત ગેસે ગેસ વેચાણ ક૨ા૨ની જોગવાઈઓ અનુસાર 'ફોર્સ મેજર' (Force Majeure) જાહેર કરી હતી. સત્તાવાર નોટિસ અનુસાર, 6 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 સુધી ગેસ સપ્લાય મર્યાદિત કરી દેવામાં આવ્યો છે. નિયમિત એકમોના કિસ્સામાં, ફેબ્રુઆરી 2026 ના મહિનાના સરેરાશ દૈનિક વપરાશના આધારે 50% મુજબ નવો DCQ નક્કી કરવામાં આવ્યો છે. કંપનીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ એકમ ફાળવવામાં આવેલી કુલ ક્વોન્ટિટી કરતા વધુ વપરાશ કરશે, તો GGL દ્વારા કોઈપણ પૂર્વ સૂચના વિના તાત્કાલિક ધોરણે ગેસ પુરવઠો સ્થગિત કરી દેવામાં આવશે
શટ ડાઉન થનાર એકમોની સંખ્યામાં થશે મોટો વધારો
હાલમાં જ અનેક એકમોએ ઉત્પાદન બંધ કરી દીધું છે, પરંતુ જો ગેસની અછતનો આ પ્રશ્ન જલ્દી હલ નહીં થાય તો આજથી જ શટ ડાઉન થનાર ફેક્ટરીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે. આનાથી માત્ર દૈનિક ઉત્પાદન અને નિકાસ જ નહીં, પરંતુ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો શ્રમિકોની રોજગારી પર પણ મોટું સંકટ ઊભું થશે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ઓચિંતી આવી પડેલી આ ગેસની આફ્તને પરિણામે સિરામિક ઉદ્યોગ અચોક્કસ મુદત સુધી બંધ પડી જવાની અણીએ પહોંચ્યો છે. જેને લઈને સિરામિક એસોસિએશન દ્વારા ઉદ્યોગકારોની તાકીદની બેઠક બોલાવામાં આવી છે. જેમાં હવે શું નિર્ણય લેવો તે મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે.
યુદ્ધની અસર મોરબી સિરામિક ઉદ્યોગ બાદ પેપરમિલ ઉદ્યોગમાં જોવા મળી, રો મટીરીયલ્સની અછતનો ખતરો.
રો મટીરીયલ્સની અછત, કોલસાના વધતા ભાવથી ઉદ્યોગ મુશ્કેલીમાં.
ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ બાદ સમગ્ર મિડલ ઇસ્ટના દેશોમાં યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે જેને પગલે માલ સામાનની અવરજવર પ્રભાવિત થઇ રહી છે તેલ અને ગેસના શીપની અવરજવર પ્રભાવિત થતા સિરામિક ઉદ્યોગ પરેશાન છે તો રો મટીરીયલ્સના શિપ્સને પણ અસર પહોંચી છે જેથી મોરબીના પેપરમિલ ઉદ્યોગ માથે પણ સંકટના વાદળો જોવા મળી રહ્યા છે.
મોરબીમાં પેપરમિલ ઉદ્યોગના નાના મોટા ૫૨ એકમો કાર્યરત છે અને પ્રતિદિન એક યુનિટને ૧૦૦ ટન જેટલા રો મટીરીયલ્સનો વપરાશ રહે છે અને મોરબી પેપર મિલ ઉદ્યોગમાં ૫ થી ૬ હાજર ટન રો મટીરીયલ્સની જરૂરત રહે છે જેમાંથી આશરે ૭૦ ટકા જેટલું રો મટીરીયલ્સ વિદેશથી આયાત કરવામાં આવે છે અને યુદ્ધની સ્થિતિને પગલે પ્રતિ ટન ૨૦૦૦ ડોલર જેટલો સંભવિત ભાવવધારો આવે તો ૪૦ થી ૫૦ ટકા જેટલો ભાવવધારો રો મટીરીયલ્સમાં જોવા મળી સકે છે એટલું જ નહિ કોલસાનો ભાવ જે અગાઉ ૫૦૦૦ થી ૫૫૦૦ આસપાસ હતો તેમાં પણ ૧૦૦૦ રૂપિયાથી વધુનો વધારો થઇ ચુક્યો છે અને કોસ્ટિંગ ૨૦ ટકા જેટલું વધી ગયું છે.
પેપરમિલ એસો પ્રમુખ શૈલેષભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી પેપરમિલમાં તૈયાર થતો માલ સિરામિક એકમોમાં વપરાય છે અને સિરામિક ઉદ્યોગ બંધ થાય તો પેપરમિલ ઉદ્યોગ બંધ કરવો પડે એટલું જ નહિ રો મટીરીયલ્સ અને કોલસાના અસહ્ય ભાવવધારા તેમજ અનિશ્ચિત સપ્લાયને પગલે પણ પેપરમિલ એકમો બંધ કરવાની નોબત આવી સકે છે હાલ સ્થિતિ સ્પષ્ટ નથી સિરામિક ઉદ્યોગના નિર્ણય બાદ મીટીંગ કરી આગળનો નિર્ણય લેવામાં આવશે.
પેકેજીંગ ઉદ્યોગ ઠપ્પ હાલતમાં, 
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ગંભીર અસર સિરામિક ઉદ્યોગની સાથોસાથ પેપર મિલો અને પેકેજીંગ ઉદ્યોગો ઉપર પણ જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી રહી છે કે પેકેજીંગ ઉદ્યોગો તો સાવ ઠપ્પ થઈ ગયા છે.
પેકેજીંગ એસોસિએશનના પ્રમુખ પાર્થભાઈ બારૈયાએ જણાવ્યું મોરબીમાં પેકેજિંગના 40 ઓટો પ્લાન્ટ તથા 150 જેટલા મેન્યુઅલ પ્લાન્ટ છે. સિરામિક ઉદ્યોગો શટ ડાઉન થવા લાગ્યા છે. ઉપરથી પેપર મિલોને પણ વ્યાપક અસર થઈ છે. એટલે પેકેજીંગ ઉદ્યોગ પણ ઠપ્પ થઈ ગયો છે. જે પ્લાન્ટ 24 કલાક ચાલતા હતા તે અત્યારે 3 કલાક માંડ ચાલે છે. આવી જ પરિસ્થિતિ રહી તો પ્લાન્ટ સંપૂર્ણ બંધ પણ કરવા પડી શકે છે

(1:05 AM IST)