News of Friday, 6th March 2026
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં
અધિકારીઓની છ ગાડીઓનું ભાડુ એક વર્ષમાં અધધધ ૧૮.૭૨ લાખ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૬: સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક એજન્સી દ્વારા છ જેટલી ગાડીઓ અધિકારીઓને લાવવા મુકવા માટે મૂકવામાં આવી છે જેમાં રાજ એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રત્યેક ગાડી નું ભાડું મહીને ૨૬,૦૦૦ વસુલાત કરવામાં આવી રહ્યું છે એટલે તાજેતરમાં જે બિલની ચુકવણી કરવામાં આવી છે જેમાં એક વર્ષની અંદર ૧૮.૭૨ લાખ રૂપિયાનો ભાડું ફક્ત ગાડીઓ પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે.
મહત્વની વાત એ છે કે ૧૮.૭૨ લાખ રૂપિયા જે ભાડાની રકમ ચૂકવવામાં આવી અને છ ગાડીઓ ચાલી રહી છે તેટલી રકમમાં ત્રણ જેટલી નવી ગાડીઓ આવી જાય અને તે પણ સરકારી ગાડી આવી જાય એક તરફ સ્વિફ્ટ જેવી કાર મૂકવામાં આવી રહી છે અને તે પણ સીએનજી ગેસમાં ફેરવવામાં આવતી હોવાનો ઘાટ સર્જાયો છે જોકે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગના છ અધિકારીઓને ૨૦૧૫ થી ભાડે ગાડીઓ લઈ અને ફરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે અને અધિકારીઓ ભાડે ગાડી રાખી અને કોન્ટ્રાક્ટ ની ગાડીઓ ફેરવી અને ફિલ્ડ વિસ્તારમાં જઈ અને કામગીરી કરી રહ્યા છે.
એક મહિનાની અંદર ૨ હજાર કિમિ એક ગાડી ચલાવવાની હોય છે અને તે પૂર્ણ થયા પછી ગાડી આગળ ન ચલાવવા માટેની સૂચના આપવામાં આવી છે કારણ કે ત્યારબાદ જો અધિકારીઓને કંઈ કામ અર્થે જવું હોય તો પોતાની પર્સનલ ગાડી લઈ જવી પડે છે કોન્ટ્રાક્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગ્રાહકની કોઈ એક્સ્ટ્રા જોગવાઈ ન હોવાના કારણે એક્સ્ટ્રા કિલોમીટર ચલાવવા નહીં એટલે ૨૦૦૦ કિલોમીટર કોઈ એક ગાડી ચાલી જાય એટલે ત્યારબાદ જે અધિકારીની ગાડી ૨૦૦૦ કિલોમીટર ચાલી ગઈ હોય તેને પોતાની પર્સનલ ગાડી લઈ અને કામગીરી કરવામાં આવી રહી છે.
ત્યારે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં પણ હવે સરકાર ખુદ પોતાની ગાડીઓ મૂકે તો બચત થાય તેવી પ્રકારની પરિસ્થિતિ છે જનતાના ટેક્સના પૈસા અધિકારીઓ ની ગાડીઓ પાછળ ખર્ચાઈ રહ્યા છે અને તે પણ ભાડાની ગાડી રાખી અને અધિકારીઓ પોતાની કામગીરી કરવા માટે મજબૂર બની રહ્યા છે જે ખર્ચમાં નવી ગાડીઓ આવી જાય તે ખર્ચ ભાડા પેટે એજન્સીઓને ચૂકવવામાં આવી રહ્યા હોય તે પ્રકારનો ઘાટ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં સર્જાયો છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
