તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 6th March 2026
હોળી પર્વ વચ્ચે ચંદ્રગ્રહણનો સંયોગ વિક્ષેપરૂપ બનતા, કેશોદમાં ધુળેટી પર્વ નિમિત્તે લોકોએ પોતાની અનુકૂળતા અને માન્યતા મુજબ બે દિવસ રંગોત્સવ ઉજવ્યો!
જાહેર રજા બુધવારે હોય ધુળેટી પર્વ ઉજવણી અંગે જુદી જુદી સંસ્થાઓના સ્થાનિક જવાબદાર સૂત્રોના સંકલનના અભાવે કોઈ ખાસ સ્પષ્ટતા કે જાહેરાત ન થતા સામાન્ય લોકોમાં ઊભી થયેલ દ્વિઘા વચ્ચે રંગોત્સવની ઉજવણી બેવડાઈઃ વેપારીઓ સહિત સામાજિક સેવાકીય સંસ્થાઓ એ મંગળવારે તો કર્મચારીઓ બાળકો સહિતના લોકોએ બુધવારે મનાવી ધૂળેટીઃ લોકોનું કહેવું છે કે,ખાસ સંજોગોમાં તહેવારોની ઉજવણી માટે એક સૂત્રતા જરૂરી

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૬: હોળી પર્વની સાથે ચાલુ વર્ષે ચંદ્રગ્રહણનો સંયોગ થતાં આવા ખાસ સંજોગોમાં ધુળેટી પર્વ ઉજવણી અંગે સંકલન ન જળવાતા લોકો દ્વારા પોતાની અનુકૂળતા અને માન્યતા મુજબ અત્રે બે જુદા જુદા દિવસ દરમિયાન રંગોત્સવ ઉજવવામાં આવેલ!
આ સ્થિતિ વચ્ચે સ્થાનિક કેશોદની વાત કરીએ તો છેલ્લા બે વર્ષ બાદ કરતા ભૂતકાળમાં અનેક વખત દિવાળી પર્વ દરમિયાન તિથિનો ક્ષય કે વધઘટ અથવા સૂર્યગ્રહણ જેવા સંજોગોમાં ધોકાને નજર અંદાજ કરી દિવાળીના બીજા દિવસે જ બેસતા વર્ષની ઉજવણી કરવામાં આવતી. જેનું પુનરાવર્તન ચાલુ વર્ષે ધુળેટી પર્વ દરમિયાન પણ જોવા મળેલ. બે તહેવારની વચ્ચે ગેપ (ધોકો) પાળવાને બદલે સળંગ રીતે જ તહેવારોની ઉજવણી કરી લેવામાં આવે છે. આવા ખાસ સંજોગોમાં વ્યાપારિક, સામાજિક, સેવાકીય અને ધાર્મિક સંસ્થા જેવા સ્થાનિક જવાબદાર સુત્રોના સંકલનના અભાવે કોઈ ખાસ સ્પષ્ટતા કે જાહેરાત ન થતા આ પર્વની ઉજવણી કયારે કરવી તે અંગે સામાન્ય લોકોમાં ઊભી થયેલ ભારે ઉત્સાહની સાથે દ્વિઘા વચ્ચે ધુળેટી પર્વની ઉજવણી બેવડાઇ હતી.
સોમવારે રાત્રે હોળી પ્રાગટય બાદ મંગળવારે ઓફિસો, શાળાઓ ચાલુ હોય કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ પોતાની કામગીરીમાં વ્યસ્ત હતા. ત્યારે આ સ્થિતિ વચ્ચે જુદી જુદી સામાજિક તથા સંસ્થાઓ સહિત વેપારીઓ સવારથી પોતાના કામ ધંધા બંધ પાળી ધુળેટી પર્વની રંગોની છોળો ઉડાવી ઉજવણી કરેલ હતી. જ્યારે બીજા દિવસે બુધવારે રાબેતા મુજબ સવારથી જ વેપારીઓ પોતાના કામ ધંધામાં પરોવાઈ ગયા હતા. ત્યારે આ દિવસે જાહેર રજા હોય કર્મચારીઓ તથા બાળકો સહિતના લોકો સવારથી જાહેર માર્ગો પર નીકળી રંગોત્સવની ઉજવણી કરી ધૂળેટી તહેવારનો આનંદ માણેલ હતો.
જોકે, સ્થાનિક કેશોદ શહેરને બાદ કરતા આસપાસના ગામડાઓ તથા શહેરી વિસ્તારમાં મંગળવારે ધોકો પાળી બીજા દિવસે બુધવારે ધૂળેટીની ઉજવણી કરવામાં આવેલ હતી. આમ એક જ તહેવારની બે જુદા જુદા દિવસે લોકોએ અલગ અલગ રીતે મજા માણેલ હતી!
ભવિષ્યમાં તહેવારો દરમિયાન સર્જાતા આવા ખાસ સંજોગોમાં એક સૂત્રતા જળવાઈ રહે અને સૌ લોકો એકસાથે મળી એક જ દિવસે તહેવારની ઉજવણી કરી શકે તે માટે વ્યાપારિક, સામાજિક, સેવાકીય અને ધાર્મિક જવાબદાર સંસ્થાઓએ સંકલન કરી તહેવારોની ઉજવણી અંગેની જાહેરાત કરવી અનિવાર્ય હોવાનું લોકોમાં ગણગણાટ શરૂ થયેલ છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
