<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

સંઘર્ષને શક્‍તિમાં અને જ્ઞાનને સેવામાં પરિવર્તિત કરનાર જુનાગઢના મલ્‍ટીટાસ્‍કિંગ વુમન ગાયત્રી શર્મા જાની

ગાયત્રીબેન માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક સેવાઓમાં પણ ખૂબ સક્રિયઃ શ્રી પરશુરામ ફાઉન્‍ડેશન મહિલા પાંખના ફાઉન્‍ડર તરીકે અનેક સેવાકીય પ્રવળત્તિઓ સાથે જોડાયેલા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭: કેટલાક વ્‍યક્‍તિત્‍વ એવા હોય છે કે જેમનું જીવન માત્ર તેમના માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાનો દીવો બની જાય છે.

કાલે મહિલા દિવસના અવસર પર ગાયત્રી શર્મા જાની જેવા વ્‍યક્‍તિત્‍વને યાદ કરવું એ માત્ર એક વ્‍યક્‍તિનું સન્‍માન નથી, પરંતુ તે તમામસ્ત્રીઓના સંઘર્ષ, શક્‍તિ અને સમર્પણને નમન કરવાનો પ્રસંગ છે. તેમનું જીવન અનેકસ્ત્રીઓ માટે  પ્રેરણાનો  પ્રકાશ છે કે જીવનમાં પડકારો આવે તો પણ આત્‍મવિશ્વાસ, મહેનત અને સેવા ભાવનાથી આપણે દરેક સપનું સાકાર કરી શકીએ છીએ.

જુનાગઢની એક  પ્રેરણાસભર અને બહુમુખી  પ્રતિભા ધરાવતી વ્‍યક્‍તિ છે ગાયત્રી શર્મા જાની. જો કોઈને મલ્‍ટીટાસ્‍કિંગ વુમનનું સચોટ અને જીવંત ઉદાહરણ આપવું હોય તો ગાયત્રીબેનનું નામ સૌ પ્રથમ યાદ આવે. જીવનમાં આવેલા અનેક પડકારો, જવાબદારીઓ અને સંઘર્ષોને તેમણે કયારેય અવરોધ તરીકે નથી જોયા પરંતુ દરેક મુશ્‍કેલીને તેમણે પોતાની શક્‍તિમાં રૂપાંતરિત કરી સમાજ માટે કંઈક સારું કરવાની  પ્રેરણા લીધી છે.

ગાયત્રીબેનની શૈક્ષણિક સફર પણ એટલી જ  પ્રેરણાદાયક છે. વર્ષ ૧૯૯૩માં તેમણે એમ.કોમ. પૂર્ણ કર્યું અને ત્‍યારબાદ ૧૯૯૮માં એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી. તેમના મનમાં બાળપણથી જ એક ઉત્તમ શિક્ષક અને  પ્રોફેસર બનવાનુ સ્‍વપ્ન હતું. જ્ઞાન  પ્રત્‍યેની તેમની તલપ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની તેમની આંતરિક ઈચ્‍છા એ ખૂબ ઊંડી હતી. પરંતુ સમય અને સંજોગો અનુસાર તેમણે તલાટી મંત્રી તરીકેની સરકારી નોકરી સ્‍વીકારી. આ નોકરીને તેમણે માત્ર ફરજ તરીકે નહીં પરંતુ એક જવાબદારી અને સેવા તરીકે નિભાવી. સમગ્ર કારકિર્દી દરમિયાન તેઓએ નિષ્ઠા, ઈમાનદારી અને કાર્યક્ષમતાથી પોતાની ફરજો પૂર્ણ કરી અને એક કર્મનિષ્ઠ કર્મચારી તરીકે ઓળખ ઉભી કરી.

પરંતુ ગાયત્રીબેનની અંદર રહેલ શિક્ષક કયારેય શાંત બેઠો નહીં. તેઓ માનતા હતા કે જ્ઞાન જેટલું વહેંચાય તેટલું વધે. આ વિચાર સાથે તેમણે જુનાગઢ શહેરમાં એક નવી પહેલ કરી. ત્‍યારે વિદેશમાં અભ્‍યાસ માટે જવા ઇચ્‍છતા વિદ્યાર્થીઓ માટે યોગ્‍ય માર્ગદર્શન ખૂબ ઓછું મળતું હતું. ગાયત્રીબેને આ ખાલી જગ્‍યા ઓળખી અને જુનાગઢમાં IELTS શિક્ષણ શરૂ કરવાનો પહેલો પ્રયાસ કર્યો. આ કાર્ય સરળ નહોતું. તેઓ પોતે અમદાવાદ અને વડોદરા જઈને આ ક્ષેત્રમાં જરૂરી જાણકારી અને તાલીમ લેતા અને પછી તે જ જ્ઞાન જુનાગઢના વિદ્યાર્થીઓ સાથે શેર કરતા.

તેમણે માત્ર ભાષા શીખવાડી નહીં પરંતુ વિદ્યાર્થીઓને ઇમિગ્રેશન, સ્‍ટુડન્‍ટ વિઝા અને વિદેશ અભ્‍યાસની સમગ્ર પ્રક્રિયા વિશે પારદર્શક અને સાચી માહિતી આપી. અનેક વિદ્યાર્થીઓ માટે તેઓ માર્ગદર્શક, શિક્ષક અને મિત્ર સમાન બની ગયા. તેમના માર્ગદર્શનથી ઘણા વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્‍યાસ અને કારકિર્દી બનાવવા તરફ સફળ પગલાં ભર્યા.

ગાયત્રીબેન માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક સેવાઓમાં પણ ખૂબ સક્રિય રહ્યા છે. તેઓ શ્રી પરશુરામ ફાઉન્‍ડેશન મહિલા પાંખના ફાઉન્‍ડર તરીકે અનેક સેવાકીય પ્રવળત્તિઓ સાથે જોડાયેલા છે. સમાજના નબળા અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે તેમણે હંમેશા ખાસ લાગણી રાખી છે. સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ અંગેનું તેમનું વિશાળ જ્ઞાન તેઓએ માત્ર પોતાના સુધી સીમિત રાખ્‍યું નથી. તેમણે વિનામૂલ્‍યે વર્ગો ચલાવી અનેક વિદ્યાર્થીઓને સરકારી નોકરી માટે તૈયાર કર્યા.

ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કદાચ યોગ્‍ય માર્ગદર્શનના અભાવે પોતાના સપનાઓ અધૂરા રહેવાનાં હતા, પરંતુ ગાયત્રીબેનના માર્ગદર્શન અને પ્રોત્‍સાહનથી તેઓ આજે સરકારી સેવાઓમાં સ્‍થાન મેળવી સમાજ માટે કાર્ય કરી રહ્યા છે. આ રીતે ગાયત્રીબેનનું યોગદાન માત્ર શિક્ષણ પૂરતું નથી, પરંતુ તે અનેક પરિવારોના ભવિષ્‍યને ઉજ્જવળ બનાવવામાં પણ સહાયક બન્‍યું છે.

ગાયત્રીબેનની એક વિશેષતા તેમની અદ્વુત વક્‍તળત્‍વ કળા છે. તેઓ ખૂબ જ પ્રભાવશાળી વક્‍તા અને મોટિવેશનલ સ્‍પીકર છે. જુનાગઢ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત અનેક કાર્યક્રમોમાં એન્‍કરિંગ માટે ગાયત્રીબેનને આમંત્રિત કરવામાં આવે છે. તેમની બોલવાની શૈલીમાં આત્‍મવિશ્વાસ, સ્‍પષ્ટતા અને લાગણીનો સુંદર સંયોગ જોવા મળે છે. જ્‍યારે તેઓ મંચ પર બોલે છે ત્‍યારે શ્રોતાઓ માત્ર સાંભળતા નથી, પરંતુ પ્રેરિત પણ થાય છે.

કોરોના કાળમાં જ્‍યારે અનેક લોકો માનસિક તણાવ, એકલતા અને ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હતા ત્‍યારે ગાયત્રીબેને માનવતાની અનોખી સેવા આપી. તેમણે ૩૦૦થી વધુ લોકોને કાઉન્‍સેલિંગ આપી તેમને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરી. આ સમય દરમિયાન તેઓ માત્ર કાઉન્‍સેલર નહીં પરંતુ એક સહાનુભૂતિપૂર્ણ મિત્ર અને માર્ગદર્શક બની રહ્યા. આજે તેઓ રિલેશનશિપ કોચ તરીકે પણ લોકોના જીવનમાં સુખ અને સમજૂતી લાવવાના પ્રયત્‍નો કરી રહ્યા છે.

પરંતુ ગાયત્રીબેનના જીવનનો સૌથી સ્‍પર્શક અને સંઘર્ષમય અધ્‍યાય તેમના વ્‍યક્‍તિગત જીવન સાથે જોડાયેલો છે. નાની ઉંમરમાં જ તેમના વકીલ પતિનું અવસાન થયું. આ ઘટના કોઈપણસ્ત્રી માટે અત્‍યંત દુખદ અને કઠિન હોય છે. પરંતુ ગાયત્રીબેને આ દુઃખને પોતાની શક્‍તિમાં પરિવર્તિત કર્યું. સિંગલ પેરેન્‍ટ તરીકે તેમણે પોતાના બંને બાળકોની તમામ જવાબદારીઓ નિભાવી. માત્ર માતા તરીકે નહીં પરંતુ પિતા જેવી જવાબદારી પણ તેમણે નિભાવેલી.

તેમણે પોતાના બાળકોને માત્ર ઉચ્‍ચ શિક્ષણ જ નથી આપ્‍યું પરંતુ સંસ્‍કાર અને મૂલ્‍યોનું પણ સુંદર જીવન આપ્‍યું. આ સફરમાં અનેક પડકારો આવ્‍યા પરંતુ ગાયત્રીબેન કયારેય તૂટી પડ્‍યા નહીં. તેમણે હંમેશા આગળ વધવાનું પસંદ કર્યું.

ગાયત્રીબેનનું જીવન એક અનોખો સંદેશ આપે છે જીવનમાં શીખવાનું કયારેય બંધ ન કરવું. તેઓ આજે પણ પોતાને એક વિદ્યાર્થી તરીકે જ માને છે. સતત કંઈક નવું શીખવાની તેમની ઉત્‍સુકતા અદ્દભુત છે. ઉંમરના ૫૫મા વર્ષે તેમણે કાર ડ્રાઈવિંગ શીખ્‍યું અને આજે તેઓ આત્‍મવિશ્વાસ સાથે સેલ્‍ફ ડ્રાઇવ કરે છે. આ ઘટના માત્ર એક કૌશલ્‍ય શીખવાની નથી, પરંતુ તે એક સંદેશ છે કે શીખવાની કોઈ ઉંમર નથી.

ગાયત્રીબેનનું સમગ્ર જીવન આપણને શીખવે છે કે જો મનમાં ઈચ્‍છા, મહેનત અને સમાજ માટે કંઈક કરવાની લાગણી હોય તો કોઈ પણ સંજોગો આપણને અટકાવી શકતા નથી. તેઓ એક સાથે અનેક ભૂમિકાઓ નિભાવે છે એક કર્મનિષ્ઠ સરકારી કર્મચારી, એક શિક્ષક, એક માર્ગદર્શક, એક સમાજસેવિકા, એક મોટિવેશનલ સ્‍પીકર, એક કાઉન્‍સેલર અને સૌથી મહત્‍વપૂર્ણ એક મજબૂત માતા.

આ તમામ ભૂમિકાઓને સંપૂર્ણ સમર્પણ સાથે નિભાવવાની તેમની કળા તેમને ખરેખર મલ્‍ટીટાસ્‍કિંગ વુમન તરીકે ઓળખ અપાવે છે. ગાયત્રીબેનનું જીવન એક જીવંત સંદેશ આપે છે સંઘર્ષથી ઘડાયેલું વ્‍યક્‍તિત્‍વ જ્‍યારે સમાજ માટે કાર્ય કરે, ત્‍યારે તે માત્ર વ્‍યક્‍તિ નથી રહેતું, પરંતુ પ્રેરણાનું પ્રતિક બની જાય છે.

(10:10 AM IST)