<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ઓર્કિડ અને સેવંતીના પુષ્પોનો દિવ્ય શણગાર : મારુતિયજ્ઞ : હજારો હરિભક્તોએ દર્શનનો લ્હાવો લીધો

પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો

રાજકોટ તા.૭ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે બિરાજમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે તારીખ 07-03-2026, શનિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને અત્યંત મનોહર અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને વિશેષ વાઘા ધરાવી, સમગ્ર સિંહાસનને ઓર્કિડ અને સેવંતીના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને સવારે 07:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. શનિવારના પવિત્ર દિવસે મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના આ અદભૂત શણગાર અને આરતીનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા. ફૂલોની સુગંધ અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના તેજસ્વી મુખારવિંદના દર્શન કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

(1:27 PM IST)