હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગરમાં કેનાલની મજા સજામાં ફેરવાઈ: ન્હાવા પડેલા બે કિશોરો ડૂબ્યા, એકનો આબાદ બચાવ જ્યારે બીજાનું કરૂણ મોત
લીંબડીના છાલિયા તળાવ પાસેની કેનાલમાં સર્જાયેલી હૃદયદ્રાવક ઘટના; પાણીના પ્રવાહમાં લાપતા બનેલા કિશોરનો મૃતદેહ કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે બહાર કાઢતા પરિવારમાં માતમ છવાયો

સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. છાલિયા તળાવ પાસે આવેલી નર્મદાની પેટા કેનાલમાં ન્હાવા ઉતરેલા બે કિશોરો અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં તણાયા હતા. ગરમીથી રાહત મેળવવા માટે કેનાલના ઠંડા પાણીમાં પડેલા આ કિશોરોને અંદાજ નહોતો કે આ જળસમાધિ સાબિત થશે. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરતા એક કિશોરને તો ક્ષણભરના વિલંબ વિના હેમખેમ બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી, પરંતુ બીજો કિશોર જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને લીંબડી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. કેનાલમાં ડૂબેલા કિશોરની શોધખોળ માટે તરવૈયાઓની મદદથી કલાકો સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. લાંબી જહેમત બાદ અંતે બીજા કિશોરનો નિર્જીવ દેહ હાથ લાગતા ઉપસ્થિત લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. હસતા-રમતા દીકરાના અકાળે અવસાનના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું અને સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કરૂણ ઘટનાને પગલે વહીવટી તંત્ર અને સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને કડક સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને કેનાલ અને તળાવ જેવા જોખમી જળાશયોમાં ન્હાવા માટે ન ઉતરવા અને જીવના જોખમે સેલ્ફી ન લેવા અપીલ કરવામાં આવી છે. કેનાલના પાણીનો પ્રવાહ બહારથી શાંત દેખાતો હોવા છતાં અંદરથી અત્યંત વેગીલો અને જોખમી હોય છે, જે અવારનવાર આવી દુર્ઘટનાઓનું કારણ બને છે. મૃતક કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
