હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીની સરકારી શાળામાં 'શિક્ષણ'ને બદલે 'નશો': ક્લાસરૂમમાં દારૂ પીતા ઝડપાયેલા શિક્ષકને સસ્પેન્ડનો આદેશ
માસૂમ બાળકોની સામે જ દારૂના પેગ ભરતા નશેડી શિક્ષકની શિક્ષણ જગતમાં ચર્ચા; વાલીઓએ વીડિયો બનાવી પાઠ ભણાવતા મોરબી શિક્ષણ વિભાગ હરકતમાં, તાત્કાલિક સસ્પેન્શન બાદ પોલીસ તપાસ તેજ

મોરબી:મોરબીના આંદરણા ગામની સરકારી પ્રાથમિક શાળામાંથી શિક્ષણ જગતને શરમસાર કરી દે તેવી ઘટના સામે આવી છે. શાળાના શિક્ષક રાજુભાઈ ખીમજીભાઈ પરમાર ક્લાસરૂમમાં બાળકોને જ્ઞાન આપવાને બદલે ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. શાળામાં અભ્યાસ કરતા માસૂમ બાળકોએ જ્યારે પોતાના શિક્ષકને દારૂ પીતા જોયા, ત્યારે આ ચોંકાવનારી બાબતની જાણ તેમણે તાત્કાલિક ઘરે જઈને વાલીઓને કરી હતી. બાળકોના નિવેદન બાદ ગામના જાગૃત નાગરિકો અને પૂર્વ આર્મીમેન અનિલભાઈ સંઘાણી સહિતના લોકોએ શાળા પર પહોંચી આ શિક્ષકની અસલી સૂરત દુનિયા સામે લાવી દીધી હતી.
ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોએ જ્યારે જોયું કે શિક્ષક નશામાં ચકચૂર છે અને તેમની બાજુમાં જ વિદેશી દારૂની બોટલ પડી છે, ત્યારે તેમણે ઘટનાનો વીડિયો બનાવીને પુરાવા એકત્રિત કર્યા હતા. આ ગંભીરતાને જોઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસ આવે તે પહેલાં જ નશેડી શિક્ષક રાજુભાઈ પરમાર શાળામાંથી છટકી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી 500 મિલી વિદેશી દારૂની બોટલ કબજે કરી છે અને ગ્રામજનોની ફરિયાદના આધારે શિક્ષક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ મોરબીના શિક્ષણ જગતમાં ભારે રોષ ફેલાયો હતો. શિક્ષણ વિભાગે તાત્કાલિક અસરથી તપાસ સમિતિની રચના કરી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપાબેન બોડાના રિપોર્ટને આધારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતાએ કડક વલણ અપનાવતા નશેબાજ શિક્ષક રાજુભાઈ પરમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. શિક્ષક જેવા આદરણીય હોદ્દા પર રહીને બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર આ શિક્ષકની આ હરકતે સમગ્ર જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોની નૈતિકતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
