<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

જામનગર પોલીસ બેડામાં મોટો આકસ્મિક ઉલટફેર: સીટી ‘બી’ ડિવિઝનના PI પી.પી.ઝાને રાતોરાત લીવ રિઝર્વમાં મુકાયા

જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીનો કડક આદેશ; સીટી ‘સી’ ડિવિઝનના PI એન.બી. ડાભીને સોંપાયો વધારાનો ચાર્જ, ઓચિંતા લેવાયેલા નિર્ણયથી પોલીસ આલમમાં અનેક તર્ક-વિતર્ક

જામનગર:જામનગર જિલ્લા પોલીસ તંત્રમાં આજે અચાનક કરવામાં આવેલા એક વહીવટી આદેશને પગલે ભારે ચર્ચા જાગી છે. જિલ્લા પોલીસ વડા (SP) ડો. રવિ મોહન સૈનીએ એક આકસ્મિક હુકમ જારી કરીને સીટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પી.પી.ઝાને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી લીવ રિઝર્વમાં મૂકી દીધા છે.
તાત્કાલિક અસરથી ચાર્જ સોંપવા સૂચના
જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ પી.પી.ઝાને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ સીટી ‘બી’ ડિવિઝનનો વહીવટ ખોરવાય નહીં તે માટે તેનો વધારાનો ચાર્જ સીટી ‘સી’ ડિવિઝનના PI એન.બી. ડાભીને સોંપવાની સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે કોઈ ગંભીર કારણ વગર ચાલુ ફરજે રહેલા PI કક્ષાના અધિકારીને આ રીતે રાતોરાત લીવ રિઝર્વમાં મૂકવામાં આવતા નથી, જેના કારણે આ આદેશથી પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે.
નિર્ણય પાછળનું કારણ અકબંધ
PI પી.પી.ઝા વિરુદ્ધ લેવાયેલા આ કડક વહીવટી પગલાં પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ ચોપડે આ ફેરબદલ પાછળનો ભેદ હજુ પણ અકબંધ છે, પરંતુ ઓચિંતા થયેલા આ ફેરફારને લઈને વહીવટી અને રાજકીય વર્તુળોમાં જાતભાતની અટકળો તેજ બની છે. આ ફેરફારને પગલે હવે આગામી સમયમાં જામનગર પોલીસના માળખામાં અન્ય કોઈ મોટા ફેરબદલ થાય છે કે કેમ તે જોવું રહ્યું.

(10:25 AM IST)