<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

મંગેતર સાથે વાત કરવાની અદાવત: જૂનાગઢના તોરણીયામાંથી પિતા-પુત્રનું ફિલ્મી ઢબે અપહરણ

યુવતી સાથેની મિત્રતા પિતા-પુત્રને ભારે પડી: 5 શખ્સોએ ઈકોમાં ઉઠાવી જઈ ફાર્મ હાઉસમાં લૂંટ્યા અને ટીચ્યા!

જૂનાગઢ:જૂનાગઢ તાલુકાના તોરણીયા ગામે મોડી રાત્રે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોતાની ભાવી પત્ની સાથે વાતચીત કરતો હોવાની શંકા રાખીને પાંચ શખ્સોએ એક યુવક અને તેના પિતાનું અપહરણ કરી, તેમને ફાર્મ હાઉસમાં લઈ જઈ ઢોરમાર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી મિલન મકવાણા સહિત પાંચેય શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ઘટનાની વિગત:
મળતી માહિતી મુજબ, તોરણીયા ગામના રહેવાસી રમેશભાઈ ધંધુકિયા અને તેમના પુત્ર સંજયનું 5મી માર્ચની રાત્રે 11 વાગ્યાની આસપાસ ઈકો કારમાં આવેલા પાંચ શખ્સોએ અપહરણ કર્યું હતું. આરોપી મિલન લખુભાઈ મકવાણાને શંકા હતી કે સંજય તેની ભાવી પત્ની (મંગેતર) ખુશી સાથે વાતચીત કરે છે. આ ખાર રાખી મિલન તેના સાથીદારો સંજય મકવાણા, નિકુંજ વાસિયા, જમાલ સંદાર અને જયદીપ ઉર્ફે ભોલા સાથે તોરણીયા પહોંચ્યો હતો.
ફાર્મ હાઉસમાં લઈ જઈ માર માર્યો:
આરોપીઓએ પિતા-પુત્રને બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધા હતા અને રસ્તામાં ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, પિતા-પુત્રના મોબાઈલ પણ છીનવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વિસાવદરના રાજપરા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં લઈ જઈ ફરીથી નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ પિતા-પુત્રને છોડી દેવામાં આવતા તેમણે તાત્કાલિક તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની કડક કાર્યવાહી:
ઘટનાની ગંભીરતા જોઈ જૂનાગઢ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી મિલન મકવાણા સહિત તમામ પાંચેય શખ્સોને ઝડપી પાડ્યા છે. હાલ પોલીસે અપહરણ, લૂંટ અને મારપીટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની પૂછપરછ હાથ ધરી છે.

(12:35 PM IST)