<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

ધ્રોલની કન્યા છાત્રાલયમાં કરૂણાંતિકા: 11 સાયન્સની તેજસ્વી વિદ્યાર્થિનીનો આપઘાત, પિતાના આક્ષેપથી ખળભળાટ

હોસ્ટેલમાં મૂક્યાના ગણતરીના કલાકોમાં જ પુત્રીના મોતથી પરિવાર આઘાતમાં: ‘શુક્રવારે બધું બરાબર હતું’, પિતાએ નિષ્પક્ષ તપાસ માટે કરી માંગણી

ધ્રોલ:ધ્રોલની જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયની હોસ્ટેલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખંભાળિયા પંથકની મૂળ રહેવાસી આ વિદ્યાર્થિની શુક્રવારે જ હોસ્ટેલમાં રહેવા આવી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં જ શનિવારે સાંજે તેના મૃત્યુના સમાચાર મળતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતક વિદ્યાર્થિનીના પિતાએ અત્યંત આઘાત સાથે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પોતાની દીકરીને હોસ્ટેલમાં મૂકી આવ્યા ત્યારે તે સંપૂર્ણપણે સ્વસ્થ અને ખુશ હતી. અચાનક સાંજે 6:30 વાગ્યે આવેલા ફોન કોલે પરિવારના સપનાઓ છીનવી લીધા છે.

ઘટનાની ગંભીરતાને જોતા ધ્રોલ પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્ટેલ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ભણવામાં તેજસ્વી એવી દીકરીએ આવું પગલું કેમ ભર્યું, તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. પોલીસે હોસ્ટેલના રૂમની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને સાથે રહેતી અન્ય વિદ્યાર્થીનીઓ તથા હોસ્ટેલ સ્ટાફના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે, હજુ સુધી કોઈ સ્યૂસાઇડ નોટ મળી હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, જેના કારણે રહસ્ય વધુ ઘેરું બન્યું છે.

પિતાએ આ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરી છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. "મારી દીકરીને કંઈક થયું છે અને મને ન્યાય જોઈએ છે," તેવા પિતાના આર્તનાદ વચ્ચે હોસ્ટેલની સુરક્ષા અને વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શું આ કોઈ માનસિક તણાવનું પરિણામ છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે, તે તો પોલીસની સઘન તપાસ બાદ જ બહાર આવશે. હાલ સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને પગલે શોકનું વાતાવરણ છે.

(12:54 PM IST)