<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

પ્રભાસ પાટણમાં લોહિયાળ આતંક: હડકાયા શ્વાને ત્રણ માસૂમ બાળકો અને એક વૃદ્ધાને કરડતા ફફડાટ, તંત્રની નિષ્ક્રિયતા સામે જનઆક્રોશ

મુલતાની નગરમાં રમતા બાળકો પર શ્વાનનો ખૂની હુમલો, ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા: વારંવારની રજૂઆતો છતાં પાલિકા તંત્રના પેટનું પાણી ન હલતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ

પ્રભાસ પાટણ:ગીર સોમનાથના પ્રભાસ પાટણ વિસ્તારમાં શનિવારે રાત્રે આતંકનો માહોલ સર્જાયો હતો. મુલતાની નગર વિસ્તારમાં રાત્રિના સમયે નિર્દોષ બાળકો રમી રહ્યા હતા ત્યારે એક હડકાયા શ્વાને અચાનક હુમલો કરી ત્રણ માસૂમ બાળકોને ક્રૂરતાપૂર્વક પીંખી નાખ્યા હતા. બાળકોના ચીચિયારીઓ સાંભળી તેમને બચાવવા દોડી આવેલા 60 વર્ષીય વૃદ્ધા સાબીનાબેન મુલતાનીને પણ શ્વાને નિશાન બનાવી ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. આ અચાનક થયેલા હુમલાથી સમગ્ર વિસ્તારમાં ડર અને દહેશત વ્યાપી ગઈ છે, અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પ્રભાસ પાટણના સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે અંદાજે 8:30 વાગ્યાના સુમારે જ્યારે લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે શ્વાન એકાએક ભૂખ્યા વરની જેમ બાળકો પર તૂટી પડ્યો હતો. સ્થાનિકોએ જીવના જોખમે લાકડીઓ અને પથ્થરોનો ઉપયોગ કરીને શ્વાનને ભગાડ્યો હતો, નહીં તો આ હુમલો વધુ જીવલેણ સાબિત થઈ શક્યો હોત. આ ઘટનાને પગલે પરિવારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં જોતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

વેરાવળ-સોમનાથ જોડિયા નગરમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે. નગરપાલિકા તંત્રને અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં, સત્તાધીશો દ્વારા કોઈ અસરકારક કામગીરી ન થતા નાગરિકોમાં રોષ છે. સ્થાનિકોએ હવે પાલિકા કચેરીનો ઘેરાવ કરવાની અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાંજ પડતા જ રસ્તાઓ પર કૂતરાઓના ટોળા અડીંગો જમાવીને બેસતા હોવાથી મહિલાઓ, વૃદ્ધો અને બાળકો માટે ઘરની બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે જ જાગશે? તે પ્રશ્ન હાલ દરેકના મનમાં છે.

(1:02 PM IST)