<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

અમરેલીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાએ મહિલા શક્તિને આપી સલામી, ‘Give To Gain’ થીમ પર સંવાદ

પીજીવીસીએલ કચેરીમાં મહિલા કર્મચારીઓ માટે ખાસ સુવિધાઓનું લોકાર્પણ: રમતગમતથી લઈને કાર્યક્ષેત્ર સુધી મહિલાઓની સિદ્ધિઓને બિરદાવી મંત્રીશ્રીએ વધાર્યું મનોબળ

અમરેલી:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2026 ના અવસરે અમરેલી ખાતે શક્તિ, સહનશીલતા અને પ્રેરણાના પર્યાય સમાન મહિલાઓની અસાધારણ સિદ્ધિઓને ઉજવવામાં આવી હતી. આ વર્ષની વૈશ્વિક થીમ "Give To Gain" ને સાર્થક કરતા ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતે મહિલા કર્મચારીઓ સાથે પ્રેરણાત્મક સંવાદ સાધ્યો હતો. મંત્રીશ્રીએ ઘરના ખૂણેથી લઈને દેશના સીમાડા સુધી મહિલાઓની અગ્રીમ ભૂમિકાને યાદ કરતા જણાવ્યું હતું કે, દીકરીઓ બે કુળની તારણહાર અને સાક્ષાત શક્તિ સ્વરૂપા છે. તેમણે સમાજમાં મહિલાઓના યોગદાનને અનન્ય ગણાવી સૌને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ પીજીવીસીએલ કચેરી પરિસરમાં મહિલા કર્મચારીઓ માટે તૈયાર કરાયેલા ખાસ રેસ્ટ રૂમ અને બાળકોની સંભાળ માટેના 'ઊર્જાકક્ષ'નું નિરીક્ષણ કર્યું હતું. કાર્યસ્થળે મહિલાઓની સુખાકારી અને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરાયેલી આ વ્યવસ્થાઓને મંત્રીશ્રીએ આવકારી હતી. આ સાથે જ, વર્ષ 2024 અને 2025 ની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રનર્સઅપ રહીને ગૌરવ વધારનાર મહિલા ક્રિકેટ ટીમનું ટ્રોફી સાથે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની નિષ્ઠાપૂર્વકની સેવા અને રમતગમતમાં મેળવેલી સિદ્ધિઓને મંત્રીશ્રીએ સ્ટેજ પરથી બિરદાવી હતી, જેણે ઉપસ્થિત કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ ભર્યો હતો.

આ આખાય કાર્યક્રમનું સંચાલન જાણીતા એજ્યુકેશનલ મેન્ટર અને મોટીવેશનલ સ્પીકર કેવલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે પોતાના શબ્દોથી મહિલા કર્મચારીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કર્યો હતો. કાર્યક્રમમાં મહિલા કર્મચારીઓએ પણ મંત્રીશ્રી સમક્ષ પોતાના અનુભવો અને કાર્યક્ષેત્રના પડકારો વિશે ખુલીને વાત કરી હતી. સમાજના દરેક ક્ષેત્રમાં આજે મહિલાઓ પોતાના સંઘર્ષ અને મહેનતથી સફળતાના શિખરો સર કરી રહી છે, ત્યારે અમરેલીમાં આયોજિત આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે જ્યારે મહિલાઓને પ્રોત્સાહન મળે છે, ત્યારે તેઓ રાષ્ટ્ર નિર્માણમાં અજોડ ભૂમિકા ભજવી શકે છે.

(1:04 PM IST)