<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

જામનગરના હાપામાં મસાલા કંપનીમાં ભયાનક અગ્નિતાંડવ: હજારો ટન મરચાં બળીને ખાખ થતા કરોડોનું નુકસાન, તીખા ધુમાડાથી આખા વિસ્તારના લોકોના શ્વાસ રૂંધાયા!

મધુસુદન મસાલા કંપનીના ગ્રાઉન્ડમાં અચાનક ભભૂકી આગ: આકાશમાં લાલચોળ જ્વાળાઓ અને મરચાંની તીખી ઝાળે અફરાતફરી મચાવી, ફાયર ફાઈટરોની કલાકોની જહેમત બાદ સ્થિતિ કાબૂમાં

જામનગર: છોટી કાશી ગણાતા જામનગરના હાપા ઔદ્યોગિક વિસ્તારમાં આજે રવિવારની રજાના દિવસે એક ભયાનક દુર્ઘટના ઘટી છે. જાણીતી 'મધુસુદન મસાલા' કંપનીના વિશાળ ગ્રાઉન્ડમાં રખાયેલા સૂકા મરચાંના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળતા રણચંડી જેવું દ્રશ્ય સર્જાયું હતું. આ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં કરોડો રૂપિયાનું લાલ મરચું રાખમાં ફેરવાઈ ગયું હતું.
તીખા ધુમાડાથી લોકો બેહાલ
આ આગમાં માત્ર આર્થિક નુકસાન જ નહીં, પણ પર્યાવરણીય રીતે પણ લોકોની મુશ્કેલી વધી હતી. હજારો ટન લાલ મરચાં એકસાથે બળવાને કારણે વાતાવરણમાં અત્યંત તીખો અને ઘાટો ધુમાડો પ્રસરી ગયો હતો. આ તીખાશને કારણે આસપાસના રહીશો અને રાહદારીઓને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી. લોકોએ મોઢે રૂમાલ બાંધીને ભાગવું પડ્યું હતું અને સમગ્ર હાપા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
કરોડોનું આર્થિક નુકસાન અને ફાયર બ્રિગેડની કામગીરી
ઘટનાની જાણ થતા જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. જોકે, મરચાંનો જથ્થો સૂકો હોવાથી આગે ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ કંપનીને આ અકસ્માતમાં કરોડો રૂપિયાનો ફટકો પડ્યો છે. સદનસીબે, ગ્રાઉન્ડમાં આગ હોવાથી કોઈ જાનહાનિના સમાચાર અત્યાર સુધી મળ્યા નથી.
આગનું રહસ્ય અકબંધ
આ ભીષણ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે પછી અન્ય કોઈ કારણસર, તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા પંચનામું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉનાળાની શરૂઆતમાં જ જામનગરમાં લાગેલી આ મોટી આગે ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીના સાધનો અને તકેદારી સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

(7:50 PM IST)