હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીના સિરામિક ઉદ્યોગ પર ૧૨૨ કરોડનો 'દંડ': NGTના ચુકાદાથી સિરામિક હબમાં ફફડાટ, હવે સુપ્રીમ કોર્ટમાં થશે અંતિમ જંગ
પ્રદૂષણ ફેલાવવાનો આક્ષેપ કે ઉદ્યોગોના ગળાફાંસો? નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના કડક વલણ બાદ મોરબીના ઉદ્યોગકારો મેદાનમાં, ૫૦૦ કરોડના દંડના મામલે કાનૂની જંગ હવે સર્વોચ્ચ અદાલત સુધી લંબાશે

મોરબી: સિરામિક નગરી મોરબી માટે આજે એક અત્યંત ચિંતાજનક અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી કોલ ગેસિફાયરના વપરાશને લઈને ચાલી રહેલી કાનૂની ખેંચતાણ વચ્ચે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) એ સિરામિક એકમો પર ફટકારવામાં આવેલા ૧૨૨ કરોડ રૂપિયાના દંડને સંપૂર્ણપણે યોગ્ય અને વ્યાજબી ઠેરવ્યો છે. અગાઉ હાઈકોર્ટના આદેશ બાદ આ મામલો NGTમાં પહોંચ્યો હતો, પરંતુ ત્યાં પણ સિરામિક એસોસિએશનને કોઈ રાહત મળી નથી. આ ચુકાદાને પગલે મોરબીના હજારો સિરામિક એકમોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને ઉદ્યોગકારો હવે બેકફૂટ પર આવી ગયા છે.
છેલ્લા છ વર્ષથી વધુ સમયથી ચાલતી આ કાનૂની લડાઈમાં શરૂઆતમાં કુલ ૫૦૦ કરોડ રૂપિયાથી વધુનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે, કાયદાકીય પ્રક્રિયા બાદ આ દંડની રકમ ૧૨૨ કરોડ સુધી સીમિત કરવામાં આવી હતી. પર્યાવરણને નુકસાન પહોંચાડવાના ગંભીર આક્ષેપો હેઠળ લેવાયેલા આ નિર્ણયથી ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. નિષ્ણાતો માની રહ્યા છે કે જો આ દંડની રકમ ચૂકવવાની ફરજ પડશે, તો નાના અને મધ્યમ કદના સિરામિક એકમોના અસ્તિત્વ સામે મોટું સંકટ ઊભું થઈ શકે છે, જેનાથી સમગ્ર ઉદ્યોગની આર્થિક કરોડરજ્જુ હચમચી જવાની ભીતિ સેવાઈ રહી છે.
હવે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસે કાયદાકીય માર્ગ તરીકે માત્ર સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાનો જ અંતિમ વિકલ્પ બાકી રહ્યો છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સિરામિક એસોસિએશન હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (SLP) દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ લાંબી અને ખર્ચાળ કાનૂની લડાઈ હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટનું વલણ શું રહેશે તેના પર મોરબીના સમગ્ર સિરામિક ઉદ્યોગનું ભવિષ્ય અને હજારો કામદારોની રોજગારીનો આધાર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
