<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

મુંબઈથી કાંતિલાલ અમૃતિયાની લલકાર: 'એક મહિનામાં મોરબી પરત ફરીને ગુનેગારોના કમર તોડી નાખીશ, દાદાગીરીનો હવે અંત આવશે'

ઓપરેશન થિયેટરમાંથી કાંતિલાલની સીધી ચેતવણી: મોરબીમાં નિર્દોષોની હત્યા અને વધતી દાદાગીરી સામે 'કડક હાથે' કાર્યવાહીનો હૂંકાર, સમર્થકોમાં ઉત્સાહનો મોજું

મોરબી:મુંબઈમાં ગંભીર સારવાર અને ૮ કલાકના મેજર ઓપરેશન બાદ સ્વસ્થ થઈ રહેલા અગ્રણી નેતા કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં વધતા ગુનાખોરીના આંકડા સામે લાલ આંખ કરી છે. વિડિયો સંદેશ દ્વારા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભલે તેઓ અત્યારે શારીરિક રીતે દૂર હોય, પરંતુ મોરબીની દરેક ઘટના પર તેમની બાજ નજર છે. મોરબીમાં જે રીતે નિર્દોષ લોકોની હત્યા અને દાદાગીરીના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, તે જોતા તેમણે ગુનેગારોને આડે હાથ લેતા કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, તેઓ એક મહિનામાં મોરબી પરત ફરી રહ્યા છે અને ત્યારે આવા તત્વોને કઈ રીતે સબક શીખવવો તે તેમને બરાબર આવડે છે.

કાંતિલાલ અમૃતિયાના ૬૪માં જન્મદિવસ નિમિત્તે મોરબીમાં યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને જીવદયાના કાર્યો જોઈ તેઓ ભાવવિભોર થયા હતા. તેમના સ્વાસ્થ્ય માટે હવન, રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરી રહેલી મોરબીની જનતાનો તેમણે હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, જનતાનો આ પ્રેમ અને આશીર્વાદ જ તેમની સાચી શક્તિ છે. તેમના સ્વાસ્થ્ય માટે થયેલા આ તમામ ધાર્મિક આયોજનોએ તેમને ઝડપથી સ્વસ્થ થવા માટે નવી ઉર્જા પૂરી પાડી છે, અને તેમની અધૂરી રહેલી માનતાઓ પણ પરિવારે પૂર્ણ કરી છે જે જોઈને તેઓ અત્યંત ગદગદ થયા છે.

સંદેશના અંતે તેમણે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, તેમના વર્ષો જૂના કડક સ્વભાવમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જે તત્વો મોરબીની શાંતિ ડહોળી રહ્યા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે, તેમને હવે કડક હાથે કામ લેવાની તૈયારી રાખવી પડશે. મોરબીની જનતાને આપેલા વચન મુજબ, સંપૂર્ણ સ્વસ્થ થઈને આગામી એક મહિનામાં જ તેઓ મેદાનમાં ઉતરશે. ત્યારે જોવાનું એ રહેશે કે કાંતિલાલ અમૃતિયાની આ 'સીધી ચેતવણી' બાદ મોરબીના અસામાજિક તત્વોમાં કેટલો ફફડાટ ફેલાય છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં શું બદલાવ આવે છે.

(11:21 PM IST)