<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

મોરબીનો સિરામિક ઉદ્યોગ 'ICU'માં: વૈશ્વિક યુદ્ધની આંચે હજારો એકમો શટડાઉન, લાખો શ્રમિકોના પલાયનનો ખતરો મંડરાયો

પ્રોપેન અને નેચરલ ગેસના તોતિંગ ભાવે મોરબીની અર્થવ્યવસ્થાની કમર તોડી: રોજગારી ગુમાવી રહેલા પરપ્રાંતીય મજૂરો માટે અસ્તિત્વની લડાઈ, કોંગ્રેસની સરકારને કટોકટીના સમયે હસ્તક્ષેપ કરવા હાકલ

મોરબી:ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના ભીષણ યુદ્ધની ઝાળ છેક મોરબીના સિરામિક હબ સુધી પહોંચી છે, જેના કારણે મોરબીનો વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ આજે તાળાબંધીના આરે આવીને ઉભો છે. પ્રોપેન અને ગુજરાત ગેસના આસમાની ભાવ વધારાને પગલે મોટાભાગના સિરામિક એકમો કાં તો શટડાઉન થઈ રહ્યા છે અથવા ઉત્પાદન ઘટાડવા મજબૂર બન્યા છે. આ આર્થિક સંકટની સીધી અસર લાખો પરપ્રાંતીય શ્રમિકો પર પડી છે, જેમના પરિવારનું ગુજરાન આ ઉદ્યોગ પર નિર્ભર છે. રોજગારી છીનવાઈ જતાં હવે મજૂરોએ પોતાના વતન તરફ પલાયન કરવાનું શરૂ કરી દીધું છે, જે મોરબીના ઔદ્યોગિક માળખા માટે અત્યંત ગંભીર સ્થિતિ છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયાએ આ સ્થિતિને 'ઔદ્યોગિક દુર્ઘટના' ગણાવતા રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જે ઉદ્યોગ રાજ્ય સરકારને કરોડોનું GST ભરીને તિજોરી ભરે છે, તે આજે જ્યારે કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે સરકાર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે. શ્રમિકોની કફોડી હાલત અને બેરોજગારીને કારણે પેદા થયેલી અરાજકતા રોકવા માટે તેમણે તાત્કાલિક રાહત પેકેજ કે ગેસના ભાવમાં રાહતની માંગ કરી છે. કિશોરભાઈના મતે, જો મજૂરોનું આ પલાયન નહીં રોકાય તો મોરબીના સિરામિક ઉદ્યોગનું પુનઃનિર્માણ કરવું વર્ષો સુધી શક્ય નહીં બને.

આ ગંભીર કટોકટીને ઉકેલવા માટે કોંગ્રેસે સરકાર અને સિરામિક એસોસિએશન વચ્ચે ત્વરિત સંયુક્ત બેઠક બોલાવવાની માંગ કરી છે. આ બેઠકમાં શ્રમિકોના પલાયનને રોકવા માટેની વ્યૂહરચના અને બંધ થતા એકમોને બચાવવા માટે નક્કર પગલાં લેવા માટેનો આગ્રહ રાખવામાં આવ્યો છે. સ્થાનિક નેતૃત્વ હવે સરકારની આર્થિક નીતિઓ સામે રણશિંગું ફૂંકી રહ્યું છે. આગામી સમયમાં જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે, તો મોરબીમાં ઔદ્યોગિક જંગ છેડાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. આર્થિક મંદીના વાદળો વચ્ચે લાખો લોકોના પેટનો સવાલ આજે મોરબી માટે સૌથી મોટો પડકાર બની ગયો છે.

(11:25 PM IST)