<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ઉના મામલતદાર કચેરીમાં એસીબીનો સપાટો : સીટી તલાટી અને પટાવાળો 50 હજારની લાંચ લેતા ઝડપાયા

અરજદારના પિતા અને કાકાના નામે આવેલી ઉનાની જમીનનું એકત્રીકરણ કરવા સિટી તલાટી જીગ્નેશ બાંભણીયાએ 60,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી

ઉના મામલતદાર કચેરીમાં એસીબીએ સપાટો બોલાવ્યો છે, સિટી તલાટી અને એક આઉટસોર્સ પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવાયા છે, એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કાર્યવાહીમાં સિટી તલાટી જીગ્નેશ બાંભણીયા અને પટાવાળા રાકેશ મજીઠીયાને 50,000 રૂપિયાની લાંચ સ્વીકારતા દબોચી લેવાયા છે 

 આ અંગે મળતી વિગત મુજબ  અરજદારના પિતા અને કાકાના નામે આવેલી ઉનાની જમીનનું એકત્રીકરણ કરી આપવા માટે સિટી તલાટી જીગ્નેશ બાંભણીયાએ 60,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ રકમમાંથી 10,000 રૂપિયા ગઈકાલે જ લઈ લીધા હતા જ્યારે બાકીના 50,000 રૂપિયા આપવા અરજદાર તૈયાર ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.

દ્વારકા ACBના પી.આઈ. એસ.સી. શર્મા અને તેમની ટીમે આ અંગે છટકું ગોઠવ્યું હતું. આજે બપોરના સમયે અરજદાર લાંચની રકમ 50,000 રૂપિયા સિટી તલાટી જીગ્નેશ બાંભણીયાને આપવા તેમની ઓફિસમાં ગયા હતા. તે સમયે તલાટીએ ઓફિસમાં હાજર આઉટસોર્સ પટાવાળા રાકેશ મજીઠીયાને રકમ સ્વીકારવા જણાવ્યું હતું. જેવી જ રકમ સ્વીકારવામાં આવી, ACBની ટીમે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને લાંચની રકમ પણ રિકવર કરી હતી.

(9:53 PM IST)