News of Tuesday, 10th March 2026
મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું.
વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના સહિત અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ અપાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પટેલ સમાજની વાડી, સનાળા ખાતે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું. જેમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનું સન્માન થયું હતું.
આ સંમેલનમાં મોરબી જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક તથા મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના સહિત અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.
આ તકે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીએ ઉપસ્થિત મહિલાઓને જણાવ્યું હતું કે, મહિલાઓની માતા, દીકરી, સાસુ સહિતની અનેક ભૂમિકા છે. તે જ ઘરને સ્વર્ગ બનાવે છે. તે વધતા જતા વૃદ્ધાશ્રમોને ઓછા કરી શકે છે. માતા એ સૃષ્ટિનું સર્જન છે, ત્યારે તેનું સન્માન થવું જ જોઈએ. આજે વિશ્વની અંદર સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં મહિલાઓનું મહત્વનું યોગદાન રહેલું છે. સરકાર દ્વારા મહિલાઓને વિવિધ ક્ષેત્રે ૩૩ ટકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા અનામત આપવામાં આવી છે. સત્તામાં મહિલાઓની ભાગીદારી એ નારી સશક્તિકરણના ક્ષેત્રે પ્રગતિ દર્શાવે છે. સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અને વિશેષ અભિયાનો પણ ચલાવવામાં આવે છે.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાએ કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં આપણે નારી શક્તિની પૂજા કરતા આવ્યા છીએ. દેશની આઝાદી માટે પણ અનેક મહિલાઓ લડી હતી. મોરબી જિલ્લામાં અનેક અધિકારીઓ મહિલા છે તે ગૌરવની વાત છે.
(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
