<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

કચ્છ યુનિવર્સિટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલનાં વિઝન પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો: ૧૭૦ શોધપત્રો રજૂ કરાયા

’સરદાર પટેલનું આત્મનિર્ભર ભારત, સામાજિક ન્યાય, જાતિગત સમાનતા, અને ખેડૂતોના અધિકારો માટેનું વિઝન’ વિષય ઉપર વિચારો અને વક્તવ્યો રજૂ કરાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ :  ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ઈતિહાસ વિભાગ અને અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, ગુજરાત પ્રાંતના સંયુક્ત ઉપક્રમે “સરદાર વલ્લભભાઈ પટેલનું આત્મનિર્ભર ભારત, સામાજિક ન્યાય, જાતિગત સમાનતા અને ખેડૂતોના અધિકારો માટેનું વિઝન” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન યુનિવર્સિટી કોર્ટ હોલમાં કરવામાં આવ્યું હતું. આ સેમિનાર રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (રુસા) દ્વારા કમ્પોનન્ટ 11 : ફેકલ્ટી ઈમ્પ્રુવમેન્ટ યોજનાનાં સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતાં. સેમિનારનાં પ્રેરણાસ્ત્રોત તરીકે ઉચ્ચ શિક્ષણ કમિશ્નર અને રુસાનાં સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી દિલીપ રાણા (આઈ.એ.એસ.) તેમજ કચ્છ યુનિવર્સિટીનાં કુલપતિશ્રી ડો. મોહન પટેલ રહ્યા હતાં. ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. નંદલાલ છાંગાએ મહેમાનોને શાબ્દિક આવકાર આપી સેમિનારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી, અમદાવાદનાં પ્રોવોસ્ટ પ્રોફેસર ડો. સુભાષભાઈ બ્રહ્મભટ્ટે પોતાના વક્તવ્યમાં સરદાર પટેલનું ભારતની આઝાદીમાં યોગદાનની સાથે સાથે ઈતિહાસનું અજ્ઞાત પાનું પોસ્ટમેન સત્યાગ્રહમાં સરદારનું પ્રદાન વિષય પર પ્રકાશ પાડ્યો હતો.

ત્યારબાદ ઇતિહાસ વિભાગના અનુસ્નાતક કક્ષાનાં વિદ્યાર્થીઓનાં સંશોધનને આધારે તૈયાર થયેલ સ્થાનિક ઇતિહાસ અને ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા પુસ્તક “ભુજ તાલુકાની સાંસ્કૃતિક વિવિધતા” નું વિમોચન પણ રાજ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

સેમિનારનાં અધ્યક્ષ સ્થાનેથી બોલતાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ સરદાર પટેલનું ભારતનાં એકીકરણમાં પ્રદાન જણાવી કાશ્મીરનાં એકીકરણમાં સરદાર પટેલને દુર રાખવાથી રાષ્ટ્રીય અને વૈશ્વિક કક્ષાએ ઉદ્ભવેલી સમસ્યા વિશે ધ્યાન દોર્યું હતું. ઉપરાંત તેમણે સરદાર પટેલના કચ્છ રાજ્ય અને મહારાઓશ્રી સાથેનાં સંબધોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વર્તમાન સમયમાં સરદારનાં વિચારોની પ્રસ્તુતતા તેમજ ભારતનાં વિશ્વમાં વધી રહેલાં કદ વિશે છણાવટ કરી હતી. તેમણે આ પ્રકારના સેમિનાર કરવા બદલ કચ્છ યુનિવર્સિટી તેમજ સ્થાનિક ઈતિહાસ વિશે સંશોધન બદલ ઈતિહાસ વિભાગને અભિનંદન આપ્યા હતા અને ભવિષ્યમાં આવા પ્રકલ્પો હાથ ધરાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છ યુનિવર્સિટીનાં કુલપતિશ્રી ડો. મોહન પટેલે અમૂલ ડેરી તેમજ વલ્લભ વિદ્યાનગરનાં વિકાસમાં સરદાર પટેલની ભૂમિકા વિશે છણાવટ કરી હતી. ઉપરાંત તેમણે આ સેમિનાર માટે ઈતિહાસ વિભાગને અભિનંદન પાઠવી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ પ્રકલ્પોથી માહિતગાર કર્યા હતાં. ઉદ્ઘાટન સત્રની આભારવિધિ કરતાં કુલસચિવશ્રી ડો. અનિલ ગોરે સંશોધન માટે યુનિવર્સિટીને મળેલ ૭૫ લાખના અનુદાન બદલ કેસીજી અને રાજ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર માન્યો હતો. આ સત્રનું સુંદર સંચાલન ઈતિહાસ વિભાગની વિદ્યાર્થીની પ્રિન્સી ગોસ્વામીએ કર્યું હતું.

સેમિનારનાં બીજા સત્રમાં સરદાર પટેલ યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ ડો. વસંતભાઈ પટેલે સરદાર પટેલનાં બાળપણની વાતો, વિઠ્ઠલભાઈ સાથે તેમના સંબંધો, દક્ષિણ ગુજરાતનાં આદિવાસીઓના ઉત્કર્ષમાં સરદારનું યોગદાન, શિક્ષકો અને શિક્ષણ વ્યવસ્થા વિશેના તેમના વિચારો અને તેમની કચ્છયાત્રાની જાણકારી આપી હતી. ત્યારબાદ બીજા વક્તા ભારતીય ઈતિહાસ સંકલન સમિતિ ગુજરાત પ્રાંતના મહામંત્રી શ્રી હસમુખભાઈ જોશીએ સામ્રાજ્યવાદી ઈતિહાસલેખનની નિંદા કરી સરદાર પટેલનું ભારતીય ચિંતન રજુ કર્યું હતું.

ભોજન પછીના સત્રમાં ઉદયપુર રાજસ્થાનના પ્રતાપ ગૌરવ કેન્દ્રનાં રીસર્ચ ડાયરેક્ટર ડો. વિવેક ભટનાગરે મેવાડ અને સરદાર પટેલનાં સંબધો, માઉન્ટ બેટન અને સરદારનાં સંબંધો તેમજ સોમનાથ મંદિર અને સરદારનું યોગદાન વિશે રજૂઆત કરી હતી. દ્વિતીય અને તૃતીય સત્રનું સંચાલન વિદ્યાર્થીની કુજલ જોશી દ્વારા અને આભારવિધિ અધ્યાપક ધ્રુહી ગોરે કરી હતી.

આ સેમિનારમાં રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓમાંથી ૨૫૦ કરતાં વધારે સહભાગીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમાંથી અંતિમ સત્રમાં ૧૭૦ કરતાં વધારે શોધાર્થીઓએ પોતાના સંશોધન પેપરો રજુ કર્યા હતાં. સેમિનારનાં માર્ગદર્શક તરીકે રુસાનાં સ્ટેટ નોડલ ઓફિસરશ્રી ડૉ. યોગેશ યાદવ તેમજ યુનિવર્સિટીનાં કુલસચિવશ્રી ડો. અનિલ ગોર રહ્યા હતાં. આ સમગ્ર સેમિનારનાં સંયોજક તરીકે ઈતિહાસ વિભાગનાં અધ્યક્ષ ડો. નંદલાલ છાંગા રહ્યા હતાં તેમજ વિભાગના અધ્યાપક ડો. પવનકુમાર ભાનાણી તેમજ માંડવી કોલેજના અધ્યાપક વિપુલ મિસ્ત્રીએ વ્યવસ્થા સંભાળી હતી. વિભાગના વિદ્યાર્થીઓએ સેમિનાર માટે જહેમત ઉઠાવી હતી.

(9:22 AM IST)