<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

ધ્રાંગધ્રાની કુંડા ચોકડીએ કરીયાણુ લેવા નીકળેલા નરારી ગામના લીલાબેનનું ડમ્‍પરથી ઠોકરે મોત

૪૬ વર્ષિય મહિલાએ સારવારમાં રાજકોટમાં દમ તોડયોઃ ત્રણ સંતાન મા વિહોણા થતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૦: ધ્રાંગધ્રાની કુંડા ચોકડી પાસે એક મહિલા કરીયાણુ લેવા માટે નીકળ્‍યા ત્‍યારે રસ્‍તો ઓળંગતી વખતે ડમ્‍પરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું છે. નરારી ગામના મહિલાએ સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ ધ્રાંગધ્રાના નરારી ગામે રહેતાં લીલાબેન ભોપાભાઇ પાટડીયા (ઉ.વ.૪૬) નામના મહિલા ગઇકાલે સવારે દસેક વાગ્‍યે નજીકની કુડા ચોકડીએ રસ્‍તો ઓળંગતા હતાં ત્‍યારે ડમ્‍પરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ધ્રાંગધ્રા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાતે મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને કરી હતી.

મૃત્‍યુ પામનાર લીલાબેનના પતિ છુટક મજૂરી કરે છે. તેણીને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. બનાવ બાદ ડમ્‍પરનો ચાલક ડમ્‍પર મુકી જાતે જ પોલીસ સ્‍ટેશનમાં હાજર થઇ જતાં પોલીસે તેના વિરૂધ્‍ધ કાર્યવાહી કરી હતી.

(1:25 PM IST)