<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

મોરબી પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી : બૉમ્બ સ્ક્વોડનું ચેકિંગ પૂર્ણ થતા કંઈ જ વાંધાજનક ન મળ્યુ.

ઇમેઇલમાં ધમકી મળ્યા બાદ બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ દ્વારા ફાયર વિભાગની હાજરીમાં સઘન તપાસ કરી હતી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજ્યમાં ફરી એકવાર પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ અને યુનિવર્સિટી જેવી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ મળ્યા છે. મોરબીમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલને પગલે પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. જોકે બોમ્બ સ્કોડની તપાસમાં કઈ વાંધાજનક મળ્યું ન હતું.

     પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી પોસ્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ઇમેઇમાં ધમકી મળી છે. 1:10 વાગ્યે બૉમ્બ ફૂટશે તેવો મેઈલ મળ્યો હતો. 12 વાગ્યે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને BDS (બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ)ને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ અંદાજે 5 મિનિટમાં જ ઘટના સ્થળે દોડી આવી હતી. એ ડિવિઝન અને એસઓજીના 6 પીએસઆઈ સહિત 20થી વધુ પોલીસ જવાનોનો કાફલો તુરંત પોસ્ટ ઓફિસે ખડકાઈ ગયો હતો. ગ્રાહકોને અને કર્મચારીઓને સલામતીના ભાગરૂપે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરની ટીમ પણ 12:30 વાગ્યા આસપાસ પહોંચી હતી. જો કે BDSની ટીમ છેક 1:30 વાગ્યા આસપાસ પહોંચી ગઈ હતી.
  ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ દ્વારા આખી પોસ્ટ ઓફિસ કચેરીનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે, તપાસ દરમિયાન કોઈ જ વાંધાજનક વસ્તુ મળી ન હતી. આખરે સુરક્ષાની ખાતરી થતાં પોલીસે પોસ્ટ ઓફિસના સ્ટાફને અંદર જવાની પરવાનગી આપી હતી અને પોસ્ટ ઓફિસની કામગીરી રાબેતા મુજબ ફરી શરૂ ક૨વામાં આવી હતી

(12:59 AM IST)