News of Wednesday, 11th March 2026
વાંકાનેરનો રિફેકટરીઝ ઉદ્યોગ મુશ્કેલીમાં, રો-મટિરિયલ્સની આયાત અટકી તથા એકસપોર્ટ ઓર્ડર પેન્ડિંગ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૧૧: હાલ વિશ્વમાં ચાલી રહેલા ઇરાન-ઇઝરાયલ વચ્ચેના યુધ્ધની અસર માત્ર તે દેશો સુધી મર્યાદિત રહી નથી, પરંતુ તેની સીધી અને આડકતરી અરસ વિવિધ દેશોના ઉદ્યોગો પર પણ જોગવા મળી રહી છે. આ પરિસ્થિીતમાં વાંકાનેર તાલુકાનો રિયેકટરીઝ એન્ડ મિનરલ્સ ઉદ્યોગ પણ ગંભીર મુશ્કેલીમાં મુકાયો છે.
મળતી માહિતી મુજબ યુદ્ધને કારણે રિફેક્ટરીઝ & મિનરલ્સ ઉદ્યોગ માટે ઉપયોગી રો-મટિરિયલ્સની આયાત અટકી પડી હોય તેમજ વિદેશમાં મોકલવાના એક્સપોર્ટ ઓર્ડરો પેન્ડિંગ થઈ ગયા છે. જેના કારણે ફેક્ટરીઓમાં તૈયાર થયેલી પ્રોડક્ટના ગોડાઉન ભરાઈ જતાં ઉદ્યોગકારો માટે ઉત્પાદન ચાલુ રાખવું મુશ્કેલ બની રહ્યું છે....
આ અંગે વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર ઘણા ઉદ્યોગો પર પડી રહી છે. વાંકાનેરનો રિફેક્ટરીઝ ઉદ્યોગ પણ તેની અસરથી બચી શકયો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રિફેક્ટરીઝ પ્રોડક્ટ બનાવવા માટે અમુક પ્રમાણમાં રો મટિરિયલ્સ વિદેશથી આયાત કરવામાં આવે છે જ્યારે બાકીની સામગ્રી લોકલ માર્કેટમાંથી જુદી જુદી કંપનીઓ અને સપ્લાયરો પાસેથી મેળવવામાં આવે છે. પરંતુ હાલની યુદ્ધની સ્થિતિને કારણે આયાત પ્રક્રિયા ખોરવાઈ જતાં ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જો આવનારા સમયમાં પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો વાંકાનેરની અંદાજે ૫૦ થી ૬૦ જેટલી રિફેક્ટરીઓ બંધ કરવાની નોબત આવી શકે છે. જેના કારણે લગભગ ૩૦૦૦ જેટલા કામદારો, મજૂરો અને કર્મચારીઓ બેરોજગાર બનવાની શકયતા છે.
આ ઉપરાંત રિફેક્ટરીઝ ઉદ્યોગ સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટ વ્યવસાય, લોડિંગ-અનલોડિંગ કામદારો તેમજ ફેક્ટરી આસપાસના નાના-મોટા વેપારીઓના ધંધા પર પણ તેની નકારાત્મક અસર થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
યુદ્ધની સ્થિતિને કારણે લોકલ માર્કેટમાં પણ માંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઉદ્યોગકારો માટે હાલની પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. ઉદ્યોગકારોના મતે જો યુદ્ધની પરિસ્થિતિ જલ્દી સમાપ્ત નહીં થાય તો વાંકાનેરના રિફેક્ટરીઝ ઉદ્યોગને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. (૩.૩)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
