News of Wednesday, 11th March 2026
જૂનાગઢના માંગરોળના ચાખવા ગામે ખેતરમાં ભીષણ આગ: એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો
વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેતરમાં રહેલા ઘાસચારા અને પાકને ભારે નુકસાન પહોંચ્યું

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામે આજે એક ખેતરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેતરમાં રહેલા ઘાસચારા અને પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનામાં આગ બુઝાવવા જતાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હોવાનું સામે આવ્યું છે.
ખેતરમાં લાગેલી આગ એટલી પ્રચંડ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનોએ માનવતા દાખવી પોતાના જીવના જોખમે પાણી અને માટીનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવવા ભારે મથામણ કરી હતી. જોકે, પવનને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ રહી હતી.
આગની ઝપેટમાં આવી જવાથી એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે માંગરોળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ માંગરોળ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
