News of Thursday, 12th March 2026
કોડીનાર ખાતે વિશ્વ મહિલા દિવસની પૂર્વસંધ્યાએ મહિલાઓને ઇલેક્ટ્રિક રિક્ષાની ભેટ : અંબુજા ફાઉન્ડેશનનો અનોખો પ્રયાસ
વિશ્વ મહિલા દિવસની પૂર્વસંધ્યાએ નારી શક્તિના સન્માન અને સ્વાવલંબનનો અનોખો સંગમ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે વિશ્વ મહિલા દિવસની પૂર્વસંધ્યાએ નારી શક્તિના સન્માન અને સ્વાવલંબનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અંબુજા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ભવ્ય સંમેલનમાં 7000થી વધુ મહિલાઓની પ્રચંડ ઉપસ્થિતિ વચ્ચે 10 જરૂરિયાતમંદ બહેનોને ઇલેક્ટ્રિક રિક્ષા એનાયત કરી તેમને આર્થિક આઝાદીની ચાવી સોંપવામાં આવી હતી. આ પહેલ માત્ર રોજગારીનું સાધન નથી, પરંતુ પર્યાવરણ જાળવણી સાથે મહિલાઓને રૂઢિચુસ્ત ચોકઠાઓમાંથી બહાર લાવી આધુનિક પરિવહન ક્ષેત્રે સ્થાપિત કરવાનો એક ક્રાંતિકારી પ્રયાસ છે.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે મહિલા આર્થિક રીતે સક્ષમ બને છે ત્યારે સમગ્ર પરિવાર અને અંતતઃ રાષ્ટ્રનો વિકાસ વેગવંત બને છે. ઇલેક્ટ્રિક રિક્ષા મેળવનાર મહિલાઓ હવે પોતાના પરિવાર માટે મુખ્ય આર્થિક આધારસ્તંભ બનશે, જે ગ્રામીણ અર્થતંત્રમાં મહિલાઓના વધતા ફાળાને રેખાંકિત કરે છે. સ્થાનિક અગ્રણીઓએ આ કાર્યક્રમને બિરદાવતા નોંધ્યું હતું કે 'ગ્રીન મોબિલિટી'ના માધ્યમથી મહિલા સશક્તિકરણનો આ વિચાર અન્ય જિલ્લાઓ માટે પણ મોડેલ સાબિત થઈ શકે તેમ છે.
અંબુજા ફાઉન્ડેશન છેલ્લા લાંબા સમયથી ગીર સોમનાથના દરિયાકાંઠાના અને ગ્રામીણ વિસ્તારોમાં કૌશલ્ય વર્ધન અને આજીવિકાના પ્રકલ્પો ચલાવી રહ્યું છે. અગાઉ સીવણ અને હસ્તકલા સુધી મર્યાદિત રહેતી બહેનો હવે ટેકનોલોજી અને પરિવહન જેવા ક્ષેત્રોમાં ડગ માંડી રહી છે તે સામાજિક પરિવર્તનનો સંકેત છે. આ કાર્યક્રમ સાબિત કરે છે કે જો યોગ્ય તક અને સાધન પૂરા પાડવામાં આવે, તો નારી શક્તિ આકાશ આંબવા સક્ષમ છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
