News of Thursday, 12th March 2026
સાંસદ પૂનમબેન માડમ દ્વારા હાલાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિમંત્રીત પત્રકારોનો દિલ્હી પ્રવાસ યોજાયોઃ અમૂકે પહેલીવાર હવાઇ મુસાફરી કરી!

સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર-દ્વારકા જિલ્લાના 150 થી વધુ પત્રકારોને લોકતંત્રનું મંદિર-લોકસભા અને સાંસદ ભવનની સફર
જામનગર::જામનગરના લોકસભાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા હાલારના જામનગર અને દ્વારકા જિલ્લાના 150 થી વધુ પત્રકારોને લોકતંત્રનું મંદિર એટલે કે, લોકસભા અને સાંસદ ભવનની સફર કરાવવામાં આવી હતી. આ પ્રસંગે જામનગર અકિલા ના ફોટો જર્નલિસ્ટ અને News 18 ગુજરાતી ના પત્રકાર કિંજલ કારસરીયા પણ જોડાયા હતા. દિલ્હી પ્રવાસ દરમિયાન જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુ સાથે મુલાકાત કરી મુક્ત મને ચર્ચાઓ પણ કરી હતી.(તસ્વીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)
આમરણ તા. ૧ર :.. જામનગર સંસદીય મત વિસ્તારના માન. સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજીત જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧પ૦ નિમંત્રીત પત્રકારોનો તા. ૯ થી ૧૧ ત્રણ દિવસીય દિલ્હી પ્રવાસ આજે સંપન્ન થયો હતો. પત્રકાર મિત્રોએ હાલ સંસદની જીવંત કાર્યવાહી નિહાળી ધન્યતા અનુભવી હતી. સાંસદ પૂનમબેન માડમે સતત પત્રકારોની સાથે રહી નવા સંસદ ભવનમાં ઐતિહાસિક ઝાંખી કરાવતી ગેલેરીના દર્શન કરાવ્યા હતાં. પત્રકારોએ જુના સંસદ ભવન (હવે સંવિધાન ભવન)ની મુલાકાત લીધી હતી.
જયાં રાષ્ટ્રના મહાન નેતાઓએ જે પાટલી પર બેસી ક્રાંતિકારી નિર્ણયો લીધા હતા તે પાટલી પર બેસી પત્રકારોએ ગૌરવપ્રદ રોમાંચક અનુભવ કર્યો હતો.
આ પ્રસંગે હાલ સંસદીય કાર્યવાહીમાં વ્યસ્ત હોવા છતાં પણ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી સાંસદ પુરૂષોતમ રૂપાલા, સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાંસદ ગેનીબેન ઠાકોર વગેરેએ સમય ફાળવી પત્રકાર મિત્રો સાથે ગોષ્ઠી કરી ફોટો સેન્શનમાં ભાગ લીધો હતો. પત્રકારોએ દિલ્હી દર્શન કરી ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી.
અમુક પત્રકારોએ પ્રથમ વખત હવાઇ મુસાફરીનો રોમાંચ અનુભવ્યો હતો. પત્રકાર મિત્રોએ સાંસદ પૂનમબેન માડમના અનેરા આતિથ્ય ભાવનને અંતકરણથી બિરદાવી આભારની લાગણી વ્યકત કરી હતી. આ પ્રવાસમાં આમરણ ચોવીસીના પીઢ પત્રકાર મહેશભાઇ પંડયા પણ જોડાયા હતાં.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
