<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

જામનગરમાં પાંચહાટડીના મણીયાર શેરીમાં પોલીસ બંદોબસ્ત સાથે 5 ગેરકાયદે દુકાનોનું ડિમોલિશન

અગાઉ નોટિસ આપવા છતાં બાંધકામ ન હટાવાતા એસ્ટેટ શાખાએ તોડી પાડ્યું:તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદો અને આયોજનના ભાગરૂપે આજે શહેરના વોર્ડ નંબર 12 માં સમાવિષ્ટ  મણીયાર શેરી વિસ્તારમાં મનપાની ટીમે પાંચ દુકાનો તોડી પાડી છે.  આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી વિગતો અનુસાર મણીયાર શેરી વિસ્તારમાં 5 જેટલી દુકાનોનું નિર્માણ કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી લીધા વિના કરવામાં આવ્યું હતું. જામનગર મનપાની એસ્ટેટ શાખા દ્વારા આ દબાણકર્તાઓને અગાઉ કાયદેસરની 'કારણદર્શક નોટિસ' આપવામાં આવી હતી. જોકે, નોટિસની અવધિ પૂર્ણ થયા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે આ બાંધકામ દૂર કરવામાં આવ્યું નહોતું, જેના પરિણામે આજે કડક અમલીકરણ કરવામાં આવ્યું હતું.

આ ગીચ વિસ્તારમાં કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. એસ્ટેટ શાખાના અધિકારીઓ અનવર ગજ્જણ અને ધર્મેન્દ્રસિંહની આગેવાનીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ આ કામગીરી પાર પાડી હતી.  આ કડક પગલાથી દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(7:07 PM IST)