<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

વાંકાનેર બાઉન્‍ટ્રી પાસે ૧.૯૩ કરોડનો દારૂ ભરેલ ટ્રક પકડયો

મોરબી એલસીબીએ વિદેશી દારૂ-બિયરની ૩૯,૭૫૨ બોટલ અને ટ્રક સહિત ૨.૧૮ કરોડના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધોઃ ત્રણના નામ ખુલ્‍યા

તસ્‍વીરમાં દારૂ ભરેલ ટ્રક, દારૂનો જથ્‍થો અને મોરબી એલસીબીનો સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીરઃ લીતેશ ચંદારાણા, વાંકાનેર)

(લીતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૧૩: મોરબી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ (LCB) એ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્‍ટેશનની હદમાં આવતા ચોટીલા-રાજકોટ હાઈવે પર દરોડો પાડીને ૧.૯૩ કરોડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) અને બિયરનો મસમોટો જથ્‍થો ઝડપી પાડયો છે. આ કામગીરીમાં પોલીસે કુલ રૂ.૨,૧૮,૫૫,૫૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મોરબી LCB પીઆઈ M.P. Pandya અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક મોટા વાહનમાં વિદેશી દારૂનો જથ્‍થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે હાઈવે પર આવેલી સુગર એન સ્‍પાઈસ હોટેલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્‍પદ વાહનને અટકાવી તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વાહનમાંથી પંજાબની વિવિધ ડિસ્‍ટિલરીઝમાં બનેલો અને માત્ર પંજાબમાં વેચાણ માટે માન્‍ય હોય તેવો લાખોની કિંમતનો દારૂ મળી આવ્‍યો હતો.

પોલીસ દ્વારા જપ્ત કરાયેલા જથ્‍થામાં જાણીતી બ્રાન્‍ડ્‍સ જેવી કે McDowell's no 1 Original Blended Whisky, Royal Challenge Fine Reserve Whisky, Royal Stag Superior Whisky, All Seasons Gold Collection Reserve Whisky and Kingfisher Extra Strong Premium Beer નો સમાવેશ થાય છે. આ તમામ જથ્‍થો પંજાબના મોહાલી, ભટીંડા અને બટાલા વિસ્‍તારની ડિસ્‍ટિલરીઝમાં બનેલો હોવાનું સામે આવ્‍યું છે.

મોરબી એલસીબીએ વિદેશી દારૂ અને બિયરની બોટલો નંગ ૩૯,૭૫૨ કિ. ૧.૯૩,૪૭,૩૬૦, ટ્રક ૨૫,૦૦,૦૦૦, રોકડ રકમ ૭૩૨૦૦, મોબાઈલ ફોન ૧ (કિંમત રૂ.૫૦૦૦) મળી કુલ રૂ.૨,૧૮,૫૫,૫૬૦ ના મુદ્દામાલ સાથે વાહન ચલાવી રહેલા લલિતકુમાર પ્રતાપજી ખરાડી (રહે. ઝહેરાઝ, ઉદયપુર, રાજસ્‍થાન) ને ઝડપી લીધો છે. જ્‍યારે આ ગુનામાં સંડોવાયેલા અન્‍ય ૦૩ શખ્‍સોને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યા છે, જેમાં દારૂનો જથ્‍થો મોકલનાર અજાણ્‍યો શખ્‍સ, વાહન નંબર RJ ૧૪ GP ૪૫૦૬ નો માલિક અને આ જથ્‍થો મેળવનાર (રીસીવર) અજાણ્‍યા શખ્‍સનો સમાવેશ થાય છે.

આ રેડમાં LCB પીઆઈ M.P. Pandya અને તેમની ટીમ દ્વારા પ્રોહીબીસન એક્‍ટ ક ૬૫ (A) (E), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(B) તેમજ ભારતીય ન્‍યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૬૧(૨) હેઠળ ગુનો નોંધી આરોપીને વાંકાનેર તાલુકા પોલીસને સોંપવામાં આવ્‍યો છે. 

 

 

(11:03 AM IST)