તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 13th March 2026
જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અંબાજી મંદિર ખાતે ગંગાજળ અને ગૌમૂત્ર છાંટી મંદિર પરિસરનું શુદ્ધિકરણ કરાયું
સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર દારૂ અને માંસની મહેફિલની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી

સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર દારૂ અને માંસની મહેફિલની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી છે. આ શરમજનક ઘટનાના વિરોધમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અંબાજી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગંગાજળ અને ગૌમૂત્ર છાંટીને મંદિર પરિસરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું.
ગિરનાર પર્વત પર જવા માટે કડક ચેકપોસ્ટ અને સુરક્ષા બંદોબસ્ત હોવા છતાં દારૂ અને માંસ જેવી પ્રતિબંધિત વસ્તુઓ ઉપર સુધી કેવી રીતે પહોંચી? આ પ્રશ્ન અત્યારે દરેક ભક્તના મનમાં ઘૂમરાઈ રહ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તંત્રની ઘોર લાપરવાહીને કારણે જ ગિરનારની પવિત્રતા ખંડિત થઈ છે.
જૂનાગઢના ગિરનાર પર બિરાજમાન માં અંબાના ધામમાં આસ્થાને ઠેસ પહોંચાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લાખો શ્રદ્ધાળુઓ જ્યાં નતમસ્તક થાય છે, તેવા પવિત્ર અંબાજી મંદિરના ભંડારામાં જ પાપી તત્વોએ દારૂ અને ચિકનની મહેફિલ માણી હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જગતજનનીના ધામમાં થયેલા આ અધર્મથી ભક્તોમાં ભારે આક્રોશ છે. જે ભંડારામાં ભક્તો શ્રદ્ધાપૂર્વક પ્રસાદ ગ્રહણ કરે છે, ત્યાં જ સત્તાના નશામાં ચૂર તત્વોએ મર્યાદા ઓળંગી પવિત્રતા અભડાવી છે. આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓ અને સંતો-મહંતોમાં તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
આ મામલે તંત્રએ તાત્કાલિક એક્શન મોડમાં આવીને 11 જેટલા કર્મચારીઓને ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં ભ્રષ્ટ પૂજારીઓ અને રસોયાઓનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગરથી SDM પરત ફર્યા બાદ આ સમગ્ર મામલે વધુ ઊંડી તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કાયદાકીય શિકંજો કસવામાં આવશે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
