<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

મેઘાણીભાઇ એટલે મંથનના કવિઃ પૂ. મોરારીબાપુ

ખોટુ બોલીને કથામાં ન આવવું, કર્તવ્‍ય ધર્મ બજાવીને કથામાં આવોઃ બગસરામાં આયોજીત ‘‘માનસ મેઘાણી'' શ્રી રામકથાનો આજે સાતમો દિવસ

રાજકોટઃ તા.૧૩, રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૂણ્‍યસ્‍મરણમાં શ્રધ્‍ધાંજલી સ્‍વરાંજલિ અને સ્‍મરણાંજલિરૂપી ત્રિવેણીમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ મેઘાણી'ના છઠ્ઠા દિવસે-ગઇકાલે કથાનો પ્રેમ સંવાદ આગળ ધપાવતાં પૂ. મોરારીબાપુએ કહયું કે - મને એક પ્રશ્‍ન પૂછયો છે કે બાપુ, મેઘાણીના ધર્મ,અર્થ, કામ, મોક્ષ કયા ? જવાબઃ મહાભારતમાં ભીષ્‍મદાદા યુધિષ્‍ઠિરને કહે છે એ શ્‍લોક હું લાવ્‍યો છું ,આ શ્‍લોકમાં જે વાત છે એ તમામ મેઘાણીભાઇને લાગુ પડે છે, અને એમાં જ એના ધર્મ,અર્થ,કામ, મોક્ષ સમાયા છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહયુ કે, મેઘાણીભાઇમાં ક્રોધ નથી ક્રોપ છે પુણ્‍યપ્રકોપ છે સત્‍ય વચન છે, લોકકલ્‍યાણ માટે, સમાજની ચિંતા માટે એને  પીડા થાય છે એટલે ક્રોધ આવે પણ એ ક્રોધ નથી પુણ્‍યપ્રકોપ છે.

ગુજરાત રાજયની સ્‍થાપના જેના શુભ-શુધ્‍ધ હસ્‍તે દિવા પ્રગટાવીને થઇ હતી તે રવિશંકર મહારાજનું સ્‍મરણ કરતા પ્રિય બાપુએ મહારાજનો એક હૃદયસ્‍પર્શી પ્રસંગ ભીની આંખે વર્ણવ્‍યો હતો મહી કાંઠાના ગામડાઓમાં રવિશંકર મહારાજ ફરતા હતાં એમાં એક ગામમાં મહારાજ ઘણું રોકાયા, અને પછી વિદાય થવાનો દિવસ આવ્‍યો ત્‍યારે આખુ ગામ રડતું હતું અને મહારાજને વિનંતી કરતું હતું કે બાપજી, મહારાજ તમે અમારૂ ગામ છોડીને ન જાઓ ન જાઓ... ત્‍યારે મહારાજ બોલ્‍યા છે કે- મારાથી તમારૂ દુઃખ નથી જોવાતું તો લોકો કહે મહારાજ શાનું દુઃખ ? મહારાજ કહે- તમે લોકો દારૂ પીવો છો, તમારા બાળકો- પરિવારનું ધ્‍યાન નથી રાખતા એનું મને દુઃખ થાય છે અને આ દુઃખ હું  જોઇ શકતો નથી ? ગામ લોકોએ કીધું કે-  આજથી અમે દારૂ છોડી દઇએ, પણ તમે રોકાઇ જાવ. મહારાજ બોલ્‍યા કે તો પછી તમારી પાસે જેટલો દારૂ છે એને સળગાવી દો, લોકો કહે મહારાજ અમારો જીવ નહીં ચાલે, એ દારૂની હોળી કરતા, તો પછી મહારાજે કીધુ કે - લાવો, હું સળગાવી દઇશ. અને મહારાજે દારૂ એ પાદરમાં  સળગાવી દીધો ? આ છે રવિશંકર મહારાજનું સેવાક્રર્મ.

ઓશોએ એક પ્રસંગ કહયો છે, એક ગામડાનો માણસ વિદેશ જાય છે. ત્‍યાં પંચતારક હોટલમાં રહે છે, રાતે એ રૂમમાં રહેલી લાઇટો અને પંખાને ફૂક મારે છે ? આખી રાત એ લાઇટો -બલ્‍બને ફૂંકો મારે છે, અને ઓલવવા માટે ! સવારે ગાલફૂલી ગયા! એણે હોટલના મેનેજરને બોલાવ્‍યા અને કીધુ કે આ લાઇટો ઓલવાતી નથી ? હું આખી રાત ફૂંક મારી-મારીને થાકી ગયો ? ત્‍યારે મેનેજરે કહયું કે એને માટેની સ્‍વીચો હોય, આ સ્‍વીચ બંધ કરો એટલે લાઇટ બંધ થઇ જાય !  બાપ, આપણી સ્‍વીચ આપણા હાથમાં હોવી જોઇએ, આપણી જાતે ડીમ-ફૂલ કરી શકીએ કોઇ બીજાના હાથમાં આપણી સ્‍વીચ ન હોવી જોઇએ આટલું સમજજો મારા ભાઇ-બહેન!

તો મેઘાણીભાઇનો ધર્મ લોકોની પીડા સમજવાનો સમાજને જાગૃત કરવાનો છે અને મેઘાણીભાઇનો અર્થ પણ સાહિત્‍ય દ્વારા, કથાઓ દ્વારા, લોકોને જીવનનો સાચો અર્થ સમજાવવાનો છે અને ‘કામ' એટલે કે મેઘાણીભાઇએ દેશ માટે, સમાજ માટે કેટલા કામો કર્યા એ અર્થમાં અને મોક્ષ એટલે પચાસવર્ષના આયુષ્‍યમાં પાંચસો વર્ષ જેટલું કર્મ કરીને સમાજને આપી દીધું એ જ મોક્ષ, મોહ મુકત થઇને સર્વનું કલ્‍યાણ થાય એ માટે ‘મો'હનો ‘ક્ષ'ય થાય એ જ મોક્ષ (-મનોજ જોશી ‘મજો' રાજકોટ મો.૯૪૨૬૨ ૪૨૧૧૫,મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦)

(3:57 PM IST)