<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

બગસરામાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને રામકથા 'માનસ મેઘાણી' ના ત્રિવેણી સંગમ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન-કવનને ઉજાગર કરતા પ્રદર્શનનું ભવ્ય આયોજન : જુઓ વિડીયો

લોકસાહિત્યના સંશોધક અને સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીની પૈતૃકભૂમિમાં યોજાયેલી કથામાં પિનાકી મેઘાણી દ્વારા પ્રસ્તુત 'મેઘાણીગાથા' પ્રદર્શન સાહિત્યરસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

ઈશ્વરિયા (અહેવાલ - મુકેશ પંડિત) : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પૈતૃકભૂમિ તરીકે ઓળખાતા બગસરાની પવિત્ર ધરતી પર હાલ સનાતન સંસ્કૃતિ અને શાસ્ત્રોના મહિમાનું ગાન થઈ રહ્યું છે. વિશ્વપ્રસિદ્ધ કથાકાર પૂ. મોરારીબાપુના વ્યાસાસને અહીં રામકથા 'માનસ મેઘાણી'નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથાની વિશેષતા એ છે કે તેમાં ભક્તિની સાથે સાહિત્યનો પણ અદભૂત સમન્વય જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યોને પ્રદર્શિત કરતું 'મેઘાણીગાથા' પ્રદર્શન ભાવિકો અને સાહિત્ય પ્રેમીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
બગસરા ખાતે યોજાયેલ આ ઉપક્રમમાં સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધનકાર, પત્રકાર અને અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની એવા ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિને તાજી કરવામાં આવી છે. પિનાકી મેઘાણી દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં મેઘાણીના જીવનકાર્યની ગાથા રજૂ કરતા અનેક દસ્તાવેજી ચિત્ર અહેવાલો અને દુર્લભ ઐતિહાસિક વિગતોને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે. કથા શ્રવણ માટે આવતા હજારો શ્રદ્ધાળુઓ આ પ્રદર્શનની મુલાકાત લઈને ધન્યતા અનુભવી રહ્યા છે.
આ પ્રદર્શન દ્વારા નવી પેઢીને ઝવેરચંદ મેઘાણીના સાહિત્યિક પ્રદાન અને આઝાદીની લડતમાં તેમના પત્રકારત્વના મહત્વથી માહિતગાર કરવાનો પ્રયાસ કરાયો છે. પૂ. મોરારીબાપુએ પણ પોતાની વાણીમાં મેઘાણીના સાહિત્ય અને રાષ્ટ્રીય ભાવનાની પ્રશંસા કરીને આ આયોજનને બિરદાવ્યું છે. આમ, બગસરામાં ભક્તિધારાની સાથે સાહિત્યની સરવાણી વહેતા સમગ્ર પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.

(5:05 PM IST)