<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

મોરબી જિલ્‍લામાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો ડોમેસ્‍ટિક એલ.પી.જી.નો જથ્‍થો ઉપલબ્‍ધઃ કે.બી.ઝવેરી

ગેસ એજન્‍સી નોડલ ઓફિસર તથા ડિસ્‍ટ્રિબ્‍યુટરની બેઠક કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાઇઃ ડોમેસ્‍ટીક ગેસમાં કાળા બજાર કરનારા તત્‍વોને સામે કડક કાર્યવાહી કરાશેઃ પોલીસ અધિક્ષક મુકેશ પટેલઃ શંકાના દાયરામાં આવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેઃ જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રી જૈમિન કાકડિયા

મોરબી તા.૧૪: મોરબી જિલ્‍લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા  ગેસ એજન્‍સી નોડલ ઓફિસર તથા ડિસ્‍ટ્રિબ્‍યુટરની બેઠક કલેકટર કે. બી. ઝવેરીના અધ્‍યક્ષસ્‍થાને તથા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની ઉપસ્‍થિતિમાં યોજાઈ હતી. આ તકે કલેકટરશ્રીએ ગેસ એજન્‍સીના વિતરકોને ડોમેસ્‍ટિક ગેસ સિલિન્‍ડરના હેતુફેર કે કાળા બજાર ના કરવા માટે તાકીદ કરી હતી. જો ગેસ એજન્‍સી અને વિતરકો જો ડોમેસ્‍ટિક ગેસ સિલિન્‍ડર - એલ.પી.જી.ના કાળા બજાર કરતા ઝડપાસે તો તેની સામે કડક કાયદેસરની  કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ અધિક્ષક મુકેશ પટેલે કહયુ હતું કે ગેસના બાટલા - એલ.પી.જી.માં કાળા બજાર કરનારા તત્‍વોને આવશ્‍યક ચીજ વસ્‍તુ ધારા હેઠળ ગનાખોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવશે. તેમજ આગળ જતાં પાસા જેવી સખત કાર્યવાહી પણ કરાશે. તેમજ આવી એજન્‍સીઓના લાયસન્‍સ રદ કરી તેમને બ્‍લેક લિસ્‍ટ કરાશે. જેથી હાલના સંજોગોમાં ગેસ વિતરણ કર્તાઓ ગંભિરતા દાખવે તેવી તાકિદ કરાઇ હતી. ગેસ વિતરણ કરતી એજન્‍સીઓને  LPG સ્‍ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે પોલીસ પ્રોટેકશન પણ પૂરું પડાશે. ગેસનું પરિવહન અને વિતરણ માન્‍ય વાહનમાં જ કરવાનું રહેશે.

જિલ્‍લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયાએ કહયું હતું કે, તમામ ગેસ વિતરકોએ ગેસ સ્‍ટોકની આવક જાવકનું મેન્‍યુઅલ રજીસ્‍ટર ફરજિયાત નિભાવવાનું રહેશે. તેમજ ઓનલાઇન પણ ડેટા એન્‍ટ્રી પણ કરવાની રહેશે. જો તેમાં કોઇ શંકાના દાયરામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી એસ. જે. ખાચર,  ગેસ એજન્‍સી નોડલ ઓફિસર તથા ડિસ્‍ટ્રિબ્‍યુટર વગેરે ઉપસ્‍થિત રહયા હતા.(પારૂલ આડેસરા-માહિતી અધિકારી, મોરબી) 

(10:11 AM IST)