<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

સુરેન્દ્રનગર 'હોટ' ફેવરિટઃ હીટવેવના પ્રકોપ વચ્ચે હાઇવે પર સંધ્યા જેવી શાંતિ!

તસવીરમાં સુરેન્દ્રનગરના ચોટીલા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર બપોરના સમયે હીટવેવને કારણે છવાયેલો સન્નાટો. ગરમીથી બચવા વાહનચાલકોએ હોટલો અને ઢાબા પર આશરો લેતા હાઇવે સુમસામ બન્યો હતો. (તસવીરઃ હેમલ શાહ)

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૧૪ઃ સમગ્ર રાજ્યમાં અત્યારે ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે ઝાલાવાડ પંથક એટલે કે સુરેન્દ્રનગર જિલ્લો જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને બપોરના સમયે હીટવેવની સીધી અસર જનજીવન અને વાહનવ્યવહાર પર જોવા મળી રહી છે.

 અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પરની આ તસવીર ગરમીની ભયાનકતાનો ચિતાર આપે છે. સામાન્ય રીતે ધમધમતો રહેતો આ મુખ્ય માર્ગ બપોરના સમયે સાવ 'ભેકાર' અને સુમસામ ભાસી રહ્યો છે. આકરા તડકા અને લૂ ને કારણે વાહનચાલકો જોખમ લેવાને બદલે હાઇવે પર આવેલી હોટલો અને ઢાબાના છાંયડે આશરો લઈ રહ્યા છે. હીટવેવમાં ટાયરો ફાટવાનો અને એન્જિન ગરમ થવાનો ભય રહેતો હોવાથી મુસાફરો અને ટ્રક ચાલકોએ પોતાનાં પૈડાં થંભાવી દીધાં છે.

 રસ્તાઓ પર માત્ર ગરમ પવનના સુસવાટા અને મૃગજળ સિવાય બીજું કંઈ દેખાતું નથી. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા પણ બપોરના સમયે બિનજરૃરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

(11:06 AM IST)