તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
મોરબીના સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળોઃ ધારાસભ્ય, પ્રદેશ ભાજપના સહ ખજાનચી અને એસોસિયેશનની રજૂઆત બાદ સરકાર હરકતમાં
યુદ્ધ અને ગેસના ભાવ વધારાથી ડૂબતા ઉદ્યોગને બચાવવા ગાંધીનગરથી રાહતની આશા : કેન્દ્ર સરકાર ૨૦૩૦ સુધીમાં કોલગેસિફાયર મિશન હેઠળ સબસીડી આપી રહી છે, ત્યારે કોલગેસિફાયર ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે નિયંત્રણો હળવા કરાય તેવી લાગણી

મોરબીઃ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના કારણે ગેસ સપ્લાય ખોરવાતા અને નિકાસ અટકી પડતા મોરબીનો સિરામિક ઉદ્યોગ ગંભીર આર્થિક કટોકટીમાં મુકાયો છે. લાખો શ્રમિકોની રોજગારી પર જોખમ ઊભું થતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, જેના પગલે સરકાર દ્વારા હકારાત્મક ઉકેલની શક્યતા દેખાઈ રહી છે. આ પ્રસંગે પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ શ્રી મોહનભાઈ કુંડારીયા પણ સાથે રહ્યા હતા.
મોરબીનો વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ હાલમાં અનેકવિધ પડકારોનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર આ ઉદ્યોગ પર પડી છે. યુદ્ધને કારણે પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે અને તૈયાર માલનું એક્સપોર્ટ અટકી પડતા કરોડો રૂપિયાનું પેમેન્ટ ફસાયું છે.
મોરબીમાં દેશની ૯૦ ટકા ટાઇલ્સનું ઉત્પાદન થાય છે અને ચીન પછી વિશ્વમાં મોરબી બીજા ક્રમે છે. વાર્ષિક ૬૦ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ અત્યારે ગેસના ભાવ, વીજળીના ફિક્સ ચાર્જ અને શ્રમિકોના પગારના બોજ હેઠળ દબાયેલો છે.
આ પરિસ્થિતિમાં ઉદ્યોગને બહાર લાવવા માટે સિરામિક એસોસિયેશન અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી સાથે મુલાકાત કરી હતી.
ઉદ્યોગકારોની માગ છે કે સરકાર આ મામલે દરમિયાનગીરી કરી તાત્કાલિક રાહત પેકેજ કે અન્ય કોઈ નીતિ જાહેર કરે.
ઉદ્યોગમાં અગાઉ કોલગેસિફાયર ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો, જે ખર્ચમાં સસ્તી હતી. જોકે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એન.જી.ટી.) ના આદેશ બાદ તેના પર પ્રતિબંધ મુકાતા ઉદ્યોગકારો સંપૂર્ણપણે ગેસ પર નિર્ભર બન્યા છે. બીજી તરફ કેન્દ્ર સરકાર ૨૦૩૦ સુધીમાં કોલગેસિફાયર મિશન હેઠળ સબસીડી આપી રહી છે, ત્યારે મોરબીમાં તેના પરના નિયંત્રણો ઉદ્યોગ માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યા હોવાની ચર્ચા પણ ઉઠી છે.
જો આગામી સમયમાં પ્રોપેન અને નેચરલ ગેસના ભાવોમાં રાહત આપવામાં નહીં આવે અથવા તો વૈકલ્પિક ઉર્જાસ્ત્રેત માટે મંજૂરી આપવામાં નહીં આવે, તો મોરબીના લઘુ ઉદ્યોગોને ટકી રહેવું મુશ્કેલ બનશે. હાલ તો ગાંધીનગર ખાતેની રજૂઆત બાદ સરકાર તરફથી કોઈ મક્કમ અને સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી આશા સેવાઈ રહી છે.
મોરબીમાં ૨૦૦થી વધુ સિરામિક એકમો બંધ
મોરબી : ઈરાન પર ઈઝરાઈલ અને અમેરિકાએ કરેલા હુમલા બાદ મધ્યપૂર્વમાં તંગ પરિસ્થિતિને કારણે ગેસની અછત સર્જાતા હાલમાં મોરબીના ૨૦૦થી વધુ સિરામિક એકમો બંધ થયા છે અને હજુ પણ આગામી અઠવાડિયામાં ૯૦ ટકા એકમો પણ બંધ થવાની શકયતા જોવાઇ રહી છે. જો કે, વર્તમાન સ્થિતિમાં ઉંચા ભાવે ગેસ ખરીદી ઇન્ડસ્ટ્રીઝ ચલાવવા કરતા ઉદ્યોગ બંધ રાખવા મોટાભાગના ઉદ્યોગકારોએ મન બનાવી લીધું હોવાથી અઠવાડિયા બાદ ગેસના ભાવની સ્થિતિ જોઈ ઉદ્યોગકારો એક મહિના માટે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સ્વૈચ્છીક શટડાઉન અમલી બનાવે તેવા અણસાર મળી રહ્યા છે. હાલ ગેસની અછતને પગલે કદાચ બ્રાન્ડેડ નામી કંપનીઓને પણ પ્રોડક્શન બંધ રાખવું પડે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ક્લસ્ટરને ઈરાન - ઈઝરાઈલ યુદ્ધ અને મધ્યપૂર્વના દેશમાં સર્જાયેલ અશાંત સ્થિતિએ હચમચાવી નાખ્યો છે. ખાડી દેશોમાં યુદ્ધના માહોલમાં ઈરાને સ્ટ્રેટ ઓફ હોમૂઝમાંથી ઓઇલ - ગેસના ટેન્કરોની આવન - જાવન પર રોક લગાવી દેતા પ્રોપેન - એલેનજી પર આધારિત ઈન્ડસ્ટ્રીઝ બંધ થવાની કગાર પર છે. બીજી તરફ સરકારે પાઈપ લાઈન મારફતે ગેસ મેળવતા ઉદ્યોગોને છેલ્લા છ મહિનાના સરેરાશ ૮૦ ટકા જથ્થો ફાળવવા નક્કી કર્યું છે. જો કે, ઉંચા ભાવે ગેસની ખરીદીને લઈ પ્રોડક્શન કોસ્ટ ઉંચી જતા મોટા ભાગના ઉદ્યોગો એક મહિનાના શટડાઉનના મૂડમાં હોવાનું ઉદ્યોગકાર સૂત્રો જણાવી રહ્યા છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
