<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

મેઘાણી આપણી મોંઘી ઝવેરાત છેઃ પૂ.મોરારીબાપુ

ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ બગસરા ખાતે આયોજિત ‘માનસ મેઘાણી' શ્રી રામકથામા શિવ વિવાહની ઉજવણીઃ કાલે શ્રી રામકથા વિરામ લેશે

રાજકોટ, તા.૧૪: બગસરા એટલે મેઘાણીની કર્મભૂમિ અને એક રીતે તેમની તપોભૂમિ પણ ગણી શકાય તેના આંગણામાં ગવાઇ રહેલી ‘માનસ મેઘાણી' રામકથામાં સાહિત્‍યકારો,પત્રકારો અને કલાકારોનો જમાવડો જોવા મળ્‍યો હતો. અને મોટી સંખ્‍યામાં આસપાસના ભાવિકો પણ ઉમટી પડયા હતા.

કાલે કથાના પ્રારંભમાં વિવિધ પુસ્‍તકોનું લોકાર્પણ થયું હતું જેમાં બહાદુરભાઈ વાળાની રચના કલબલિયા, ડો. વિક્રમભાઈ પુજાબાપુ વાળાની કળતિ ‘અલખના આરાધક' ડો.સંજય દવેના પુસ્‍તક લોક સંવેદના સર્જક મેઘાણી તથા નીતિન વડગામા સંપાદિત રામકથા માનસ સંવાદનું રુપ નિદર્શન થયું હતું.

પૂ.મોરારીબાપુએ ‘માનસ મેઘાણી'ના સંવાદમાં પ્રવેશ કરતા કહ્યું કે પાંચ વસ્‍તુ એ મારી પાસે છે તેમાં પાટ, પાટલો, પોથી, પાટિયું અને પ્રવચન. મેઘાણી એક શબ્‍દથી આખું આકાશ પોતાની બાથમાં લઈ લે છે. મેઘાણીનો શબ્‍દ સ્‍પર્શ કરે છે. તેમાં કોઈ જાતિ વિકાર પણ નથી. મેઘાણી આપણી મોંઘી ઝવેરાત છે.

કથાના ક્રમમાં બાપુએ સતીના પુર્નજન્‍મ પછી હિમાલયને ત્‍યાં પાર્વતી રૂપે સતીનું અવતરણ અને પછી શિવ વિવાહનો પ્રસંગ ખૂબ ભાવુક રીતે પ્રસ્‍તુત કરીને સૌને કરુણા સભર કર્યા હતા.

શ્રીરામકથામાં લોકગાયક અભેસિંહ રાઠોડ ચલાલાના મહંત પૂ.મહાવીરબાપુ સતાધારના પૂ. મહંત વિજયબાપુ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઈ નાનકભાઈ મેઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત હતા.તેમ જયદેવભાઈ માંકડ (તલગાજરડા), તખુભાઈ સાંડસૂર (વેળાવદર)ની યાદીમાં જણાવ્‍યું છે

(3:38 PM IST)