News of Saturday, 14th March 2026
જામજોધપુર પોલીસનો સપાટો: માલવડાનેશની સીમમાં ધમધમતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પર દરોડો પાડી સરમણ મુછારને ઝડપી પાડ્યો
PI એ.એસ. રબારી અને ટીમે ૪૦૦ લીટર આથો, ૧૦૫ લીટર દારૂ અને મોટરસાયકલ સહિત કુલ રૂ. ૫૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

જામજોધપુર:જામનગર જીલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે જીલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની અને નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરતા જામજોધપુર પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે. મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભાના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારી અને તેમની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમને આ સફળતા મળી હતી.
બાતમીના આધારે દરોડો
પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે, જામજોધપુર તાલુકાના ગંગાજળીયા નેસમાં રહેતો સરમણ દેવા મુછાર નામનો શખ્સ માલવડાનેશથી આંબલીયાર સીમ તરફ જતા રસ્તા પર બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે. આ બાતમીમાં એવું પણ જણાવાયું હતું કે હાલમાં આ ભઠ્ઠી ચાલુ હાલતમાં છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે સ્થળે દરોડો પાડ્યો હતો.
ઝડપાયેલો મુદ્દામાલ
પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી દેશી દારૂ બનાવવાની સામગ્રી અને તૈયાર દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:
* બે પ્લાસ્ટિકના બેરલ જેમાં ૪૦૦ લીટર કાચો આથો હતો (કિંમત રૂ. ૧૦,૦૦૦).
* ૧૦૫ લીટર તૈયાર દેશી દારૂ (કિંમત રૂ. ૨૧,૦૦૦).
* દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો (કિંમત રૂ. ૫૦૦).
* સ્પેલન્ડર મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ.10.CQ.8233 (કિંમત રૂ. ૨૫,૦૦૦).
આમ, પોલીસે કુલ રૂપિયા ૫૬,૫૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સરમણ દેવા મુછાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાર્યવાહી કરનાર ટીમ
આ સફળ કામગીરી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારીની આગેવાનીમાં એ.એસ.આઈ. એલ.આર. ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.ડી. મેઘનાથી, પોલીસ કોન્સ્ટેબલ અશોક બાબુ ગાગીયા અને પોલીસ કોન્સ્ટેબલ વલ્ભ માલદે ભાટુ દ્વારા કરવામાં આવી હતી.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
