તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
લોકનિકેતન શૈક્ષણિક સંકુલ બેલામાં આગામી બુધવારે વાર્ષિકોત્સવ અને રજતજયંતી વર્ષની ભવ્ય ઉજવણી: ‘કંડારી લોકનિકેતનની કેડી’ પુસ્તકનું થશે વિમોચન
પ્રવિણભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને તેજસ્વી તારલાઓ અને દાતાઓનું સન્માન કરાશે: જીજીભાઈ ચૌહાણના અમૃત મહોત્સવ અને સ્થાપકોની પુણ્ય સ્મૃતિમાં સપ્તરંગી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

ઈશ્વરિયા (અહેવાલ - મુકેશ પંડિત):ભાવનગર જિલ્લાના બેલા સ્થિત લોકનિકેતન સંસ્થા સંચાલિત શૈક્ષણિક સંકુલમાં આગામી બુધવાર, તા. ૧૮ના રોજ વાર્ષિકોત્સવ, માતૃ-પિતૃ વાલી સંમેલન અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લોકનિકેતન સંસ્થાના આદ્યસ્થાપક મનુભાઈ પંચોળી (દર્શક) અને સ્થાપક પ્રમુખ સ્વ. લખુભાઈ દેસાઈની પુણ્ય સ્મૃતિમાં યોજાનારા આ સપ્તરંગી કાર્યક્રમમાં શિક્ષણ અને ગ્રામોત્થાનની પ્રવૃત્તિઓનો સંગમ જોવા મળશે.
સન્માન અને પુસ્તક વિમોચન
સંસ્થાના રજતજયંતી વર્ષ અને મેનેજિંગ ટ્રસ્ટી જીજીભાઈ ચૌહાણના અમૃત મહોત્સવ નિમિત્તે ‘કંડારી લોકનિકેતનની કેડી...’ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. આ પ્રસંગે પુસ્તક પ્રકાશનના દાતાઓ અને લેખકોનું વિશેષ સન્માન કરાશે. આ સાથે જ ધોરણ ૮, ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ, તેજસ્વી તારલાઓનું બહુમાન અને સંસ્થાના નિષ્ઠાવાન કાર્યકરોનું સન્માન પણ યોજાશે. વિશેષરૂપે, દર અમાસે છાત્રાલયના વિદ્યાર્થીઓને મિષ્ટ ભોજન કરાવતા દાતાઓ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવતા ઉદાર હાથે ફાળો આપનારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવશે.
મહાનુભાવોની ઉપસ્થિતિ
શ્રીમતી ડાંખરા ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલય, બેલા ખાતે બપોરે ૩:૩૦ થી સાંજે ૬:૦૦ કલાક દરમિયાન યોજાનારા આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પૂર્વનિયામક અને ચિંતક પ્રવિણભાઈ ઠક્કર બિરાજશે. અતિથિ વિશેષ તરીકે ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહજી પઢેરિયા અને શિક્ષણવિદ્ મનહરભાઈ ઠાકર ઉપસ્થિત રહી પ્રેરક ઉદબોધન આપશે.
સાંસ્કૃતિક કાર્યક્રમ અને વાળુ
સમારોહના બીજા ચરણમાં સાંજે ૬:૦૦ કલાકે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ કૃતિઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે રાત્રે ૭:૩૦ કલાકે તમામ સ્નેહીજનો, વાલીગણ અને વિદ્યાર્થીઓ માટે સમૂહ વાળુ (ભોજન)નું આયોજન કરવામાં આવ્યું છે.
લોકનિકેતન સંસ્થા પરિવારના પ્રમુખ અરવિંદભાઈ ડાંખરા, વડા જીજીભાઈ ચૌહાણ, આચાર્ય ઉત્તમભાઈ દહિયા અને આચાર્ય વિપુલભાઈ જોષી દ્વારા આ શૈક્ષણિક અને સામાજિક મહોત્સવમાં પધારવા સૌ સ્નેહીજનો અને વાલીઓને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
