News of Sunday, 15th March 2026
જામનગરના સચાણા ગામમાં એસ.ઓ.જી.નો સપાટો: મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર મધુમંગલ અનંતભાઈ વિશ્વાસ ઝડપાયો, પશ્ચિમ બંગાળના શખ્સની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કરાયો
રાજકોટ વિભાગના આઈપીએસ નિલિપ્ત રાય અને જામનગર એસપી રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે દરોડો પાડી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરના નેટવર્કનો પર્દાફાશ કર્યો

જામનગર: જામનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય (રાજકોટ વિભાગ) અને જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ એસ.ઓ.જી. શાખાએ મોટી સફળતા મેળવી છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સચાણા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
દરોડાની વિગત અને કાર્યવાહી:
એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર અને એ.વી. ઝેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સ્ટાફના વિજયભાઈ કારેણા, જયેશભાઈ પઢેરીયા અને તોફીકભાઈ તાયાણીને ચોક્કસ બાતમી મળી હતી કે, સચાણા ગામે વલીમામદ આમદભાઈ કકલની ઓરડીમાં એક શખ્સ કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ખોલીને બેઠો છે અને લોકોની સારવાર કરી રહ્યો છે.
આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે બાતમીવાળા સ્થળે દરોડો પાડતા મધુમંગલ અનંતભાઈ વિશ્વાસ નામનો શખ્સ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે આ શખ્સ પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેની કોઈ માન્ય ડિગ્રી નથી, તેમ છતાં તે દર્દીઓને તપાસી તેમને અલગ-અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન અને બોટલ ચડાવીને લોકો પાસેથી પૈસા વસૂલતો હતો.
મુદ્દામાલ અને ધરપકડ:
પોલીસે સ્થળ પરથી જુદી-જુદી કંપનીની એલોપેથિક દવાઓ, સ્ટેથોસ્કોપ અને અન્ય મેડિકલ સાધનો મળી કુલ ₹ ૨,૩૩૫/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી મધુમંગલ અનંતભાઈ વિશ્વાસ (રહે. હાલ સચાણા, મૂળ રહે. પલ્દા મુરાગારછા ગામ, મુગીપોતા, તા. ચરૂટીપી, જી. નાદીયા, પશ્ચિમ બંગાળ) વિરુદ્ધ પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦ તથા બી.એન.એસ. કલમ ૧૨૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ કારેણાએ આ મામલે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરી, પીએસઆઈ એલ.એમ. ઝેર, એ.વી. ઝેર તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયો હતો. લોકોના આરોગ્ય સાથે રમત રમતા આવા તત્વો સામે પોલીસની આ કાર્યવાહીથી પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
