<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

રાજકોટ-મોરબી હાઈવે બન્યો કાળમુખો: 'બા ની વાડી' પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું કરુણ મોત, પરિવારે ગુમાવ્યો દીકરો

રાજકોટ-મોરબી હાઈવે પર વિરપર ગામ નજીક આવેલ 'બા ની વાડી' પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં રોડની સાઈડમાં ઉભેલા એક યુવાનને પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા કરુણ મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ અચાનક બનેલી દુર્ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતકના ભાઈ સંતોષભાઈ નંદરામ ઉર્ફે નાનાદરામ વિશ્વકર્માએ આપેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવાન ઘનશ્યામભાઈ હાઈવે પર કોઈ કામ અર્થે ઉભા હતા ત્યારે જ કાળ બનીને આવેલા અજાણ્યા વાહને તેમને કચડી નાખ્યા હતા. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને વાહન ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે.

આ ઘટના બાદ હાઈવે પર સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. પૂરપાટ ઝડપે દોડતા અજાણ્યા વાહન ચાલકોની બેદરકારીના કારણે વારંવાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. ટંકારા પોલીસ દ્વારા હાલ અજાણ્યા વાહનની ઓળખ મેળવવા માટે આસપાસના પેટ્રોલ પંપ અને હોટલોના સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. આ મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ આરોપી વાહન ચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(12:01 AM IST)