<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

રીલ્સનો ખતરનાક ક્રેઝ: રાજકોટના જેતપુર નજીક 118 કિમી ઝડપે દોડતી કાર પલટી: 2 યુવકના મોત અને 1 ગંભીર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતના થોડા જ મિનિટો પહેલા યુવકોએ કારની ઝડપી ડ્રાઇવિંગનો વીડિયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર અપલોડ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ઝડપ બતાવવાનો શોખ અંતે જીવલેણ સાબિત થયો

રાજકોટ: પોરબંદર હાઈવે પર જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે રવિવારે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં રીલ બનાવવા માટે 118 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી ખાતા બે યુવકોના મોત થયા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી મુજબ, કાળા રંગની નવી વર્ના કાર ‘એપ્લાય ફોર રજીસ્ટ્રેશન’ લખાણ સાથે જેતપુરથી ધોરાજી તરફ જઈ રહી હતી. બાલકૃષ્ણ ફાર્મ નજીક પહોંચતા ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર અને દીવાલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના ભાગો છૂટા પડી ગયા હતા અને વાહન પલટી ગયું હતું.

કારમાં કુલ ત્રણ મિત્રો સવાર હતા. જેમાં 20 વર્ષીય અવધ અરવિંદ તિવારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત દેવરાજ જયેશ ગોસાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્રીજો યુવક અક્ષય પ્રવિણ વાઘેલા હાલ જેતપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતના થોડા જ મિનિટો પહેલા યુવકોએ કારની ઝડપી ડ્રાઇવિંગનો વીડિયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર અપલોડ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ઝડપ બતાવવાનો શોખ અંતે જીવલેણ સાબિત થયો હોવાનું માનવામાં આવે છે.

ઘટનાની જાણ થતા જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે નુકસાનગ્રસ્ત વાહન હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:06 PM IST)