તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th March 2026
ભાવનગરમાં SOGનો સપાટો: ચિત્રા GIDCમાં દરોડો :નશાકારક કફ સીરપની 1920 બોટલો સાથે ભાવેશ દુધેલાને ઝડપી લેવાયો
રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત :આરોપી વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

ભાવનગર શહેરમાં નશાકારક પદાર્થોના વેચાણ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. પોલીસે ચિત્રા GIDC વિસ્તારમાં દરોડા પાડીને પ્રતિબંધિત નશાકારક કફ સીરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 1920 બોટલ નશાકારક કફ સીરપ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે યુવાધનને નશાના માર્ગે ધકેલવાનું કામ કરતો હતો.
SOG ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ચિત્રા GIDC વિસ્તારમાં નશાકારક કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે રેડ પાડી હતી. સ્થળ પરથી દેવરાજનગરના રહેવાસી ભાવેશ દુધેલા નામના આધેડને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી આ વિસ્તારમાં છૂપી રીતે કફ સીરપનો જથ્થો રાખીને તેનું વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે આ દરોડા દરમિયાન આરોપી પાસેથી નશાકારક કફ સીરપની કુલ 1920 બોટલો કબજે કરી છે, જેની બજાર કિંમત અંદાજે 3,04,128 રૂપિયા જેટલી થાય છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાવનગરમાં આટલી મોટી માત્રામાં કફ સીરપનો જથ્થો પકડાતા નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
SOG ની પ્રાથમિક તપાસમાં એ જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે કે આટલો મોટો જથ્થો ભાવનગરમાં ક્યાંથી સપ્લાય કરવામાં આવ્યો હતો અને તેની પાછળ અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે. ઉલ્લેખનીય છે કે, પ્રતિબંધિત કફ સીરપનો ઉપયોગ યુવાનો નશા તરીકે કરી રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. પોલીસ હવે આ કેસમાં કડક પૂછપરછ કરીને આખા રેકેટના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
