<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

મોરબી સબજેલમાં સુરક્ષાની પોલ ખુલી: બેરેકમાંથી મળ્યો મોબાઈલ અને નશીલી વસ્તુઓનો જથ્થો

જેલના સુરક્ષા ચક્રને ભેદીને કેદીઓ સુધી કેવી રીતે પહોંચ્યો પ્રતિબંધિત સામાન? એ-ડિવિઝન પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

મોરબી: રાજ્યની જેલોમાં સુરક્ષાના દાવાઓ વચ્ચે ફરી એકવાર મોરબી સબજેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. જેલના સઘન સુરક્ષા ઘેરા વચ્ચે બેરેક નંબર ૧ અને ૨ ની પાછળ આવેલા જનરલ સંડાસ વિસ્તારમાંથી પ્રતિબંધિત વસ્તુઓનો જથ્થો મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જેલ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક તપાસ દરમિયાન કાળા રંગના ઝબલામાં છુપાવેલી શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા જેલ સત્તાવાળાઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

ઘટનાની વિગત મુજબ, જેલના સિપાઈ રાજુભાઈ નારણભાઈ ઝેઝરિયા જેલ પરિસરમાં રાઉન્ડ પર હતા ત્યારે તેમને સર્કલ નંબર ૧ ના બાથરૂમ પાછળ કાળા રંગનું ઝબલું પડેલું જોવા મળ્યું હતું. જેલ સ્ટાફે શંકાના આધારે તપાસ કરતા તેમાંથી તમાકુના મસાલાના ૪ પેકેટ, બીડીની જૂડી, ચૂનાની ટોટી અને પ્લાસ્ટિક તથા સેલોટેપથી અત્યંત વીંટાળેલું એક પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટને ખોલતા તેમાંથી રૂમાં વીંટાળેલો એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો, જે જેલની સુરક્ષામાં ગાબડું હોવાનું સ્પષ્ટ સંકેત આપે છે.

આ મામલે મોરબી એ-ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ અત્યારે તે વાતની તપાસ કરી રહી છે કે આ પ્રતિબંધિત સામાન જેલની દીવાલોની અંદર કોણે પહોંચાડ્યો અને તે કયા કેદી કે આરોપી માટે લાવવામાં આવ્યો હતો. આટલી સુરક્ષા હોવા છતાં જેલના મુખ્ય બેરેક વિસ્તાર સુધી મોબાઈલ અને અન્ય નશીલી વસ્તુઓ પહોંચવી તે જેલ વહીવટની ગંભીર બેદરકારી અથવા કોઈની મિલીભગતની શંકા ઉપજાવે છે.

મોરબી સબજેલમાં અગાઉ પણ સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. હવે આ કેસમાં પોલીસ તે બાબતની તપાસ કરી રહી છે કે કયા કેદીના ઈશારે આ સામાન લાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જે પણ કેદી કે અન્ય કોઈ વ્યક્તિના નામ ખુલશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેલ જેવી સુરક્ષિત જગ્યાએ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી જેલની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે.

(3:18 PM IST)