<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

સણોસરાના આંગણે ભક્તિ અને શક્તિનો ત્રિવેણી સંગમ: રામજી મંદિરના નવનિર્માણ અને મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમટ્યું માનવ મહેરામણ; પૂ.મોરારિબાપુએ નિત્ય દર્શનનો મહિમા સમજાવ્યો : જુઓ વિડીયો

રામ દરબાર, રાધા-કૃષ્ણ અને બહુચર માતાજીના નૂતન વિગ્રહોની સ્થાપના સાથે યોજાઈ ભવ્ય ધર્મસભા: પંચ દેવની પરંપરા અને સામાજિક સમરસતાના દર્શન સાથે મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ કણિરામજીબાપુની વિશેષ ઉપસ્થિતિ

ઈશ્વરિયા (અહેવાલ - મુકેશ પંડિત) :ગોહિલવાડના ગૌરવ સમાન અને એકતા માટે જાણીતા સણોસરા ગામે શુક્રવારથી રવિવાર સુધી ત્રિદિવસીય રામજી મંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવાઈ ગયો. રવિવાર, ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાયેલા આ ધર્મ પ્રસંગમાં રામ દરબાર, રાધા-કૃષ્ણજી તથા બહુચર માતાજીની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ અવસરે યોજાયેલી ધર્મસભામાં રાષ્ટ્રસંત પૂ. મોરારિબાપુએ પ્રેરક ઉદબોધન આપી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા.

સણોસરાની એકતા અને ધર્મનિષ્ઠાની પ્રશંસા કરતા મોરારિબાપુએ જણાવ્યું હતું કે, મંદિરોના નિર્માણ પછી દેવ તો બિરાજમાન હોય જ છે, પરંતુ ભક્તોના નિત્ય દર્શનથી જ તે દેવત્વ જીવંત રહે છે. તેમણે સૌ ગ્રામજનોને મંદિરની મર્યાદા જાળવવા અને નિયમિત વંદના પર ભાર મૂક્યો હતો. સનાતન ધર્મની પંચ દેવ પરંપરાને ટકાવી રાખવા ટકોર કરતા બાપુએ શાસ્ત્રોના આધારે સમજાવ્યું કે પ્રભુનો વાસ ચાર સ્તરે રહેલો છે - તીર્થ મંદિર, ગામ મંદિર, ઘર મંદિર અને અંતે મનુષ્યનું હૈયા મંદિર. આ ચારેય સ્થાને શ્રદ્ધાનો દીવો પ્રજ્વલિત રાખવો જરૂરી છે.

ધર્મસભામાં આશીર્વચન પાઠવતા કણિરામજીબાપુએ સણોસરાની સામાજિક સમરસતાને બિરદાવી હતી. તેમણે કહ્યું કે જેમ માળાના મણકા એક દોરામાં ગૂંથાયેલા હોય છે, તેમ આખા ગામે એક બનીને આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે જે પ્રશંસનીય છે. જીવનમાં ડગલે ને પગલે શ્રદ્ધા અને વિશ્વાસ ટકાવી રાખવા તેમણે હાકલ કરી હતી.
આ પ્રસંગે રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણીએ હાજરી આપી જણાવ્યું હતું કે કોઈપણ ક્ષેત્રના વિકાસ માટે એકતા અનિવાર્ય શરત છે. સણોસરાએ સામાજિક સમરસતા સાથે પોતાની સંસ્કૃતિનું જતન કરીને આખા રાજ્યને એક નવી રાહ ચીંધી છે. કાર્યક્રમ દરમિયાન મેહુરભાઈ લવતુકા, રઘુભાઈ આહિર, ગોકુળભાઈ આલ અને ઘનશ્યામસિંહ ગોહિલે પ્રાસંગિક વક્તવ્યો આપ્યા હતા.

આ સમગ્ર મહોત્સવનું સંકલન મંદિરના પૂજારી હરજીવનદાસ દુધરેજિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાબુરામ ભગત, પ્રવિણબાપુ સહિતના અનેક સંતો-મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ ચૌહાણે કર્યું હતું, જ્યારે આભારવિધિ વિનુભાઈ લીંબાણીએ આટોપી હતી. ત્રણ દિવસ સુધી ચાલેલી આ પ્રાણપ્રતિષ્ઠા વિધિમાં આચાર્યપદે અલ્પેશભાઈ પાઠક રહ્યા હતા. ગામના તમામ મંડળો, દાતાઓ, સ્વયંસેવકો અને પ્રત્યેક જ્ઞાતિના લોકોએ સાથે મળીને પ્રસાદ-ભોજનનો લાભ લીધો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

(9:36 PM IST)