<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

માળીયા મિંયાણાનાં રાસંગપરમાં હેવી વિજલાઇનની કામગીરી સામે ખેડૂતોનો ભભૂકતો રોષ

ખેડૂતો સાથે બેઠક કર્યા વગર અને યોગ્‍ય વળતરની ખાતરી ન મળે ત્‍યા સુધી કામ નહીં કરવા દઇએ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા : તા.૧૬: માળિયા (મિયાણા) તાલુકાના રાસંગપર ગામે જામનગર ટ્રાન્‍સમિશનની ૭૬૫ કેવીની હેવી વીજ લાઈનના કામગીરી દરમિયાન ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્‍યો હતો.  કંપનીના કર્મચારીઓ પોલીસ પ્રોટેક્‍શન સાથે ખેડૂતના ખેતરમાં પહોંચ્‍યા અને ખેતર માલિકની હાજરી વગર જ જેસીબી મશીન વડે કામ શરૂ કરી દીધું, જેથી સ્‍થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો.ખેડૂતોએ તાત્‍કાલિક લડાયક ખેડૂત નેતા મહેશ રાજકોટીયાને આ ઘટનાની જાણ કરી. તેમણે તાત્‍કાલિક દરમિયાનગીરી કરીને કામ બંધ કરાવ્‍યું અને કંપનીના તમામ મશીનરી તથા સ્‍ટાફને ખેતરમાંથી બહાર નીકળી જવાની સ્‍પષ્ટ સૂચના આપી. ખેડૂત નેતાએ ચીમકી ઉચ્‍ચારી કે જો સૂચનાનું પાલન ન કરવામાં આવે તો રૂબરૂ સામનો કરવો પડશે.ખેડૂતોએ કંપનીને સ્‍પષ્ટ જણાવ્‍યું કે ખેડૂતો સાથે બેઠક કર્યા વગર અને યોગ્‍ય વળતરની ખાતરી વગર કોઈ કામ થવા દેવામાં આવશે નહીં. આ ઉગ્ર વિરોધ અને આક્રમક વલણને કારણે કંપનીએ આજે ખેતરના માલિક સાથે બેઠક કરવાની ખાતરી આપી. હાલમાં ખેતરમાં ચાલતી તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને પોલીસ તથા કંપનીના સ્‍ટાફને ખાલી હાથે પરત ફરવું પડ્‍યું.

આ ઘટના બાદ ખેડૂત આગેવાનોએ સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો છે કે સરકાર જેવા ઓર્ડર કરવા માગે તે કરે, પરંતુ મોરબી જિલ્લામાં ખેડૂતોની મંજૂરી અને યોગ્‍ય વળતર વગર વીજ લાઈનનું કોઈ પણ કામ થવા દેવામાં આવશે નહીં. આ પ્રકારના વિરોધો ગુજરાતના વિવિધ વિસ્‍તારોમાં ૭૬૫ કેવી ટ્રાન્‍સમિશન લાઈન પ્રોજેક્‍ટ્‍સ સામે વધી રહ્યા છે, જેમાં ખેડૂતો મુખ્‍યત્‍વે વળતર અને જમીનના અધિકારોના મુદ્દે આક્રોશ વ્‍યક્‍ત કરી રહ્યા છે.

(12:11 PM IST)