તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 16th March 2026
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં પ્રકૃતિ જતનનો પ્રેરક સંદેશ: વિદ્યાર્થીઓને ચકલીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ
નિવૃત્ત આચાર્ય રમેશભાઈ નાકરાણીની સખાવત અને 'ધરતીના છોરું' અભિયાનના સંકલનથી પર્યાવરણ પ્રત્યે સંવેદના જગાડવાનો પ્રયાસ; શાળાના શિક્ષકો દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

ઈશ્વરિયા: ઈશ્વરિયાની સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણની સાથે સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની શરૂઆત પૂર્વે પક્ષીઓની દરકાર લેવાના ઉમદા આશય સાથે શાળાના વિદ્યાર્થીઓને પક્ષીઓ માટેના માળા અને પીવાના પાણી માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દાતાનો પ્રકૃતિ પ્રેમ અને સખાવત
આ સેવાકાર્ય માટે મૂળ ઈશ્વરિયા ગામના વતની અને ઉગામેડી સ્થિત નિવૃત્ત આચાર્ય રમેશભાઈ નાકરાણી તરફથી પ્રેરક આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. તેમના પ્રકૃતિ પ્રેમ અને કેળવણીના ઉમદા હેતુને લીધે શાળાના વિદ્યાર્થીઓને આ સખાવતનો લાભ મળ્યો છે. શિક્ષણની સાથે પર્યાવરણ પ્રત્યે સંવેદના પ્રગટે તે આજના સમયની તાતી જરૂરિયાત છે, જેને ધ્યાને રાખીને આ આયોજન કરવામાં આવ્યું હતું.
ધરતીના છોરું અભિયાનનું સંકલન
સમગ્ર વિતરણ વ્યવસ્થા 'ધરતીના છોરું' અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી. આ અભિયાનના સંયોજક મૂકેશ પંડિતના સંકલન અને માર્ગદર્શન હેઠળ માળા અને કુંડાનું વ્યવસ્થિત વિતરણ હાથ ધરાયું હતું. શાળાના આંગણે યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ સુરક્ષા અને જીવદયાનો માહોલ જોવા મળ્યો હતો.
શિક્ષકો દ્વારા પ્રેરક માર્ગદર્શન
આ પ્રસંગે શાળા પરિવારના સભ્યો વિપુલભાઈ મકવાણા, જિગીષાબેન જાળિયા અને ભગીરથભાઈ સાંગાએ હાજર રહીને વિદ્યાર્થીઓને પક્ષીઓનું જતન કેવી રીતે કરવું તે અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, માત્ર માળા કે કુંડા લઈ જવાથી કાર્ય પૂર્ણ થતું નથી, પરંતુ તેમાં નિયમિત પાણી અને ચણની વ્યવસ્થા કરી પક્ષીઓની સુરક્ષા કરવી એ આપણી નૈતિક ફરજ છે. વિદ્યાર્થીઓએ પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈને પક્ષી પ્રેમી બનવાના શપથ લીધા હતા. (અહેવાલ - મુકેશ પંડિત)
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
