<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

જામનગર સાયબર ક્રાઈમ બ્રાંચે એક મોટા ઓપરેશનમાં 3.86 કરોડના ઓનલાઈન છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ કર્યો :ત્રણ શખ્સોની ધરપકડ

જામનગરના કનૈયાલાલ ખીમજી સભાયા, કાલાવડના લાખા રાણા ઝાપડા અને મેટોડા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થી રાજકુમાર મુકેશ ઝાપડાની ધરપકડ : સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ આપી લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરતા હતા

જામનગર સાયબર ક્રાઈમ બ્રાંચે એક મોટા ઓપરેશનમાં 3.86 કરોડના ઓનલાઈન છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં જામનગરના કનૈયાલાલ ખીમજી સભાયા, કાલાવડના લાખા રાણા ઝાપડા અને મેટોડા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થી રાજકુમાર મુકેશ ઝાપડાનો સમાવેશ થાય છે. આ ટોળકી સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ આપી લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરતી હતી અને ગેરકાયદેસર વ્યવહારો માટે ભાડાના બેંક ખાતાઓનો ઉપયોગ કરતી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ શખ્સોએ રાજકોટ અને ભાવનગરના સાયબર માફિયાઓને પોતાના ખાતા ભાડે આપી કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા હતા.

 

આ પ્રકારના 'મ્યુલ એકાઉન્ટ' કૌભાંડમાં નિર્દોષ કે ગરીબ લોકોને કમિશનની લાલચ આપી તેમના દસ્તાવેજો પર બેંક ખાતા ખોલાવવામાં આવતા હોય છે, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો નાણાં છુપાવવા માટે કરે છે. પોલીસ અધિકારીઓના મતે, આ ધરપકડથી મોટા નેટવર્કની કડીઓ મળી શકે તેમ છે.

 

નિષ્ણાતો ચેતવણી આપે છે કે કોઈપણ અજાણી વ્યક્તિને નાણાકીય લાલચમાં આવી પોતાના બેંક ખાતાની વિગતો કે ઓટીપી આપવો તે ગંભીર ગુનો બની શકે છે. હાલમાં પોલીસ આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે.

(11:23 PM IST)